શિમલાઃ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસ પહેલાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના ભૂતપૂર્વ મહાસચિવ ધર્મપાલ ઠાકુર ખાંડ સહિત કોંગ્રેસના 26 નેતા અને સભ્યો ભાજપમાં સામેલ થયા છે. અહીં વિધાનસભાની ચૂંટણીમાં માથે છે, ત્યારે કોંગ્રેસ માટે આ એક મોટો આંચકો છે, કેમ કે મતદાનને માંડ એક સપ્તાહથી પણ ઓછો સમય બચ્યો છે.
કોંગ્રેસના આ બધા નેતા મુખ્ય પ્રધાન જયરામ ઠાકુર અને ભાજપના રાજ્ય ચૂંટણી પ્રભારી સુધન સિંહની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા છે. આ પ્રસંગે શિમલાના ભાજપના ઉમેદવાર સંજય સુદ પણ હાજર હતા. મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે આ બધાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આવો આપણે ભાજપની ઐતિહાસિક જીત માટે મળીને કામ કરીએ.
https://twitter.com/BJP4Himachal/status/1589820002513092610
આ પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વિધાનસભાની ચૂંટણીથી પહેલાં પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે રાજ્યની જનતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરે છે. તેમણે ચૂંટણીના રાજ્યમાં તેમના શાસનમાં મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમણે નીતિઓનો સારી રીતે અમલ કર્યો છે.
રાજ્યમાં સોલનમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે અમે સોલનમાં જનસંપર્ક કાર્યક્રમ આયોજિત કરી રહ્યા છીએ, જેને લઈને લોકો ઉત્સાહિત છે અને તેમને વડા પ્રધાન મોદી પર વિશ્વાસ છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થશે ને મતોની ગણતરી આઠ ડિસેમ્બરે થશે.