2024ની ચૂંટણીમાં ત્રીજો નહીં ‘મુખ્ય મોરચો’ બનશેઃ નીતીશકુમાર

પટનાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે JDUના સંમેલનમાં વિશ્વાસથી જણાવ્યું હતું કે 2024માં કોઈ ત્રીજો મોરચો નહીં રચવામાં આવે અને હવે જે બનશે એ ‘મુખ્ય મોરચો’ હશે. ભાજપનો વિરોધ કરતા પક્ષો 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતથી જીતશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

નીતીશકુમારે હાલમાં વિપક્ષના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને ભાજપને પડકાર આપનારી વિચારધારાવાળા પક્ષોના ગઠબંધનને બનાવવાના પ્રયાસ તેઓ કરી રહ્યા છે. જોકે તેમણે વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષાથી પણ ઇનકાર કર્યો છે.તેમણે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પક્ષના ખરાબ દેખાવ માટે ગઠબંધનને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે ભાજપ પર JDUની સામે કામ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.  તેમણે ભાજપને યાદ અપાવી હતી કે આ પહેલાં અમારા પક્ષે 2005 અથવા 2010ની વિધાનસભાની ચૂંટણીમાં ઓછી બેઠકો નહોતી જીતી. તેમણે મિડિયા પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે મિડિયાને કેટલાક અહેવાલ પ્રસિદ્ધ કરવાની મંજૂરી નથી, પણ એની પાસે દરેક રેકોર્ડ છે અને જ્યારે ભાજપ સત્તામાંથી બહાર ફેંકાશે, ત્યારે મિડિયા એ અહેવાલો પ્રસિદ્ધ કરશે.

તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્ર બિહાર સાથે ઓરમાયું વર્તન દાખવી રહ્યું છે. બિહારને વિશેષ રાજ્યના દરજ્જાની માગનો પણ કેન્દ્ર સ્વીકાર નથી કર્યો.ગુજરાત બિર્ટિશ રાજથી સમૃદ્ધ રાજ્ય છે અને વડા પ્રધાન મોદીનું એ ગૃહ રાજ્ય છે, પણ ગરીબ લોકોના વિકાસ કર્યા વગર દેશ પ્રગતિ ના કરી શકે, એમ તેમણે કહ્યું હતું.