‘મોદી સામે મહાગઠબંધન’: 2019ની ચૂંટણીમાં BJP માટે બનશે મોટો પડકાર

નવી દિલ્હી- નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટીના ‘વિજય રથ’ને રોકવા માટે વિરોધ પક્ષો દ્વારા અત્યાર સુધીમાં ત્રણ પ્રયાસ કરવામાં આવ્યા છે. વિપક્ષને આ ત્રણેય ટ્રાયલ ફોર્મ્યુલામાં ભાજપને પરાજય આપવાનો અને વિપક્ષને જીતાડવાનો મંત્ર હાથ લાગ્યો છે. જો 2019ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષ આજ રણનીતિ મુજબ ચૂંટણી મેદાનમાં ઉતરશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સત્તા જાળવી રાખવું મુશ્કેલ બનશે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ‘મોદી લહેર’ પર સવાર થઈને ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં સત્તા મેળવી હતી. જેનું પરિણામ એ આવ્યું કે, દેશમાંથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો અને વિવિધ રાજ્યોમાંથી ક્ષેત્રિય પાર્ટીઓનો પણ પરાજય થયો. ઉત્તરપ્રદેશમાં બસપા અને RLD ખાતું પણ ખોલાવી શકી નહીં અને સમાજવાદી પાર્ટી તેના ક્ષેત્ર પુરતી મર્યાદિત રહી.

બીજી તરફ બિહારમાં RJD અને JDU ડબલ ફિગરમાં પણ પહોંચી શકી નહીં. આ સિવાય હરિયાણામાં INLD બે બેઠક પર સિમિત રહી. જોકે ક્ષેત્રીય પાર્ટીઓમાં મમતા બેનરજી, નવીન પટનાયક અને જયલલિતા તેમનો ગઢ બચાવી થક્યા હતા. એનું પરિણામ એ આવ્યું કે, મોદી સરકાર સામે વિરોધ પણ મહાગઠબંધન બનાવી પોતાનું ખોવાયેલું અસ્તિત્વ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે.

2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના હાથે કારમો પરાજય મળ્યા બાદ RJD પ્રમુખ લાલુપ્રસાદ યાદવ, JDUના વડા નીતિશ કુમાર અને કોંગ્રેસ પાર્ટી પરસ્પરના મતભેદ ભૂલીને એકસાથે આવ્યા. વર્ષ 2015માં ત્રણેય પક્ષોએ મહા ગઠબંધનની રચના કરી અને બિહારની વિધાનસભા ચૂંટણી લડી હતી. જેમાં ભાજપનો પરાજય થયો અને વિપક્ષને પહેલીવાર મોદીને હરાવવાનો મંત્ર મળ્યો. જોકે બાદમાં મતભેદ થવાને કારણે નીતિશ કુમાર ગઠબંધનથી અલગ થયા અને ભાજપ સાથે હાથ મિલાવી હાલમાં બિહારમાં સરકાર ચલાવી રહ્યા છે.

2014ની લોકસભા અને 2017ની વિધાનસભા ચૂંટણીઓમાં ‘મોદી રથ’ પર સવાર થઈને ભાજપે સપા, બસપા, RLD સહિતના વિરોધ પક્ષોનો સંપૂર્ણ રીતે સફાયો કર્યો હતો. જેના પરિણામે બસપાએ ગોરખપુર અને ફૂલપુર પેટાચૂંટણીમાં સપાનું સમર્થન કર્યું. પરિણામ એ આવ્યું કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યપ્રધાન તેમની બેઠકો પણ બચાવી શક્યા નહીં. આ પછી કૈરાનામાં RLD, સપા, બસપા અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો એકસાથે આવ્યા અને અહીં પણ ભાજપને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]