નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળો ગયા વર્ષથી પ્રસર્યો છે. એની સામે દેશભરમાં આ વર્ષની 16 જાન્યુઆરીથી કોરોના વાઇરસ સામે રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે દેશમાં કોરોનાની રસી લીધા પછી આડઅસરો થઈ હતી, જેમાં લોકોને કોરોનાની રસી લીધા પછી સામાન્ય તાવથી લઈને અશક્તિ જેવી આડઅસરો જોવા મળી હતી. જોકે સમય જતાં દેશમાં કોરોનાની રસીની ગંભીર આડઅસર થઈ હોય એવા કેસ પણ સામે આવ્યા છે, જેમાં 31 માર્ચ સુધીના ડેટા અનુસાર રસી લીધા બાદ 180 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત રસી લીધા બાદ ગંભીર આડઅસર થઈ હોય તેવા 305 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જ્યારે 75 ટકા મૃતકોનાં તો રસી લીધાના ત્રણ જ દિવસમાં મોત થયાં હતાં.
એડવર્સ ઈવેન્ટ ફોલોઇંગ ઈમ્યુનાઈઝેશન (AEFI) કમિટી દ્વારા રસી લીધા બાદ જો કોઈનું મોત થાય તો તેની માહિતી રોજેરોજ જાહેર કરવાની હોય છે. ભારતમાં કોરોના રસી લીધા બાદ અત્યાર સુધી થયેલા મૃત્યુ યુરોપની પેટર્નને ખાસ્સાં મળતાં આવે છે.
યુરોપિયન યુનિયન અને યુકે દ્વારા આ બાબતને ધ્યાનમાં રાખીને હેલ્થકેર પ્રોફેશનલ્સ તેમજ રસી લેનારા લોકોને રસી લીધા બાદ લોહી ગંઠાઈ જવા સહિતની સંભવીત ગંભીર આડઅસર અંગે ચેતવણી અપાય છે. અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે વેક્સિન લીધાના 14 દિવસમાં કેટલાક લોકોને લોહી ગંઠાઈ જવાની સમસ્યા થાય છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર 27 જાન્યુઆરી સુધીમાં રસીકરણ બાદ 9, 26 ફેબ્રુઆરી સુધીમાં 46 અને 16 માર્ચ સુધીમાં 89 લોકોનાં મોત થયા હતાં, જ્યારે AEFIના આંકડા પર નજર રાખતા સિદ્ધાર્થ દાસનું કહેવું છે કે 16થી 29 માર્ચ દરમિયાન રસી લીધા બાદ 91 લોકોનાં મોત થયાં છે.