વૈશ્વિક દેશો, સ્થાનિકમાં કોરોના-રસીનો સપ્લાય ચાલુ રખાશે

નવી દિલ્હીઃ દેશનાં રાજ્યોની કોરોનાની રસીની માગ તો સંતોષાશે, પણ એની સાથે વિશ્વના દેશોમાં પણ મેડ-ઇન-ઇન્ડિયાની કોરોનાની રસીનો સપ્લાય ચાલુ રહેશે, એમ વિદેશ મંત્રાલયે કહ્યું હતું. આ ઉપરાંત ભારતે એન્ટિ-કોરોના વાઇરસની રસીની નિકાસ પર કોઈ નિકાસ પ્રતિબંધ લાદ્યા નથી, એમ વિદેશ બાબતોના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું. વિશ્વના અન્ય દેશોમાં કોરોના રસીનો પુરવઠો દેશની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં લેતાં કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

હું ફરીથી કહું છું કે રસીની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી, એમ કહેતાં તેમણે કહ્યું હતું કે અમારા મંત્રાલયની વેબસાઇટ નિયમિતપણે રસીના સપ્લાય માટે અપડેટ કરવામાં આવે છે. કેટલાંક રાજ્યોએ રસીની નિકાસ પૂર્વે સ્થાનિકમાં રસીની જરૂરિયાતને પૂરી કરવા પર ભાર મૂકતાં કેન્દ્રએ કહ્યું હતું કે બધાં રાજ્યોને પૂરતા પ્રમાણમાં રસીની ફાળવણી કરવામાં આવી છે અને એમાં કેટલાંક રાજ્યો સમયસર રસીકરણ કરવામાં અસમર્થ રહ્યાં છે.

એસ્ટ્રાઝેનકાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની ‘GAVI’ અને ‘COVAX’ હેઠળ આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતા પૂરી નહીં કરવા બદલ કાનૂની નોટિસ મોકલવાના સવાલ પર બાગચીએ કહ્યું હતું કે આ મુદ્દે હું કંપનીનો સંપર્ક કરીશ, કેમ કે આ સવાલનો જવાબ કંપની જ આપી શકશે.

કોરોનાની રસીના ઉત્પાદકો માટે અમેરિકાથી કાચા માલની ખરીદીને મુદ્દે પ્રવક્તાએ કહ્યું હતું કે વિદેશ સચિવ હર્ષ વર્ધન શૃંગલાએ માહિતી આપી હતી કે આ મુદ્દો અમેરિકા સાથે ઉઠાવવામાં આવ્યો હતો.

વિશ્વમાં ભારત સૌથી મોટો દવાઉત્પાદક દેશ છે અને અનેક દેશોએ એન્ટિ-કોરોના રસી ખરીદવા માટે પહેલેથી જ સંપર્ક કર્યો છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]