ત્રીજી- લહેરની આશંકાઃ સરકારનો RT કિટની નિકાસ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે મોટું પગલું લીધું છે. સરકારે સોમવારે કોરોના રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કિટની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ફોરેન ટ્રેડ ડિરેક્ટોરેટ જનરલ (DGFT)એ નોટિફિકેશન જારી કરીને કહ્યું હતું કે કોરોના રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કિટની નિકાસ પર તત્કાળ અસરથી પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવી છે.

નિકાસકારોને પ્રતિબંધિત શ્રેણીમાં સામેલ ચીજવસ્તુઓની નિકાસ માટે DGFT પાસેથી લાઇસન્સ અથવા મંજૂરી લેવાની હોય છે. સરકારે આ પગલું દેશમાં ટેસ્ટિંગ કિટની ઉપલબ્ધતાને વધારવા માટે લીધું હોવાનું માનવામાં આવે છે.

દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર મોટા ભાગે પૂરી થઈ ચૂકી છે. જોકે નિષ્ણાતો સતત ત્રીજી લહેરની ચેતવણી આપી રહ્યા છે. નિષ્ણોતનું માનવું છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર જલદી આવવાની સંભાવના છે. જેથી સરકારે રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કિટની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ પાછલા 24 કલાકમાં 25,166 નવા કેસ સામે આવ્યા છે. જે છેલ્લા 24 કલાકમાં 437 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,22,50,679 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,32,079 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,14,48,754 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 36,830 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ  આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,69,846એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.51 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.