થાણેઃ મુંબઈ અને નાગપુર વચ્ચે નિર્માણાધીન સમૃદ્ધિ એક્સપ્રેસવે પર એક વધુ કરૂણાંતિકા સર્જાઈ છે. થાણે જિલ્લામાં આ માર્ગ પર એક બ્રિજના બાંધકામ વખતે ગર્ડર લોન્ચિંગ મશીન (ક્રેન) અને બ્રિજનો એક સ્લેબ તૂટી પડતાં 16 મજૂરોનાં કરૂણ મરણ નિપજ્યા છે. આ દુર્ઘટનામાં ત્રણ મજૂર ઘાયલ પણ થયા છે.
આ દુર્ઘટના મુંબઈની પડોશના થાણે જિલ્લાના શાહપુર તાલુકાના સરલાંબે ગામ નજીક ગઈ મધરાત બાદ તરત બની હતી. સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ત્રીજા ચરણનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તે દરમિયાન 100 ફૂટની ઊંચાઈ પરથી ગર્ડર લોન્ચિંગ મશીન નીચે કામ કરી રહેલા મજૂરો પર પડ્યું હતું. આ ક્રેન હાઈવે નિર્માણ યોજનાઓમાં બ્રિજ બાંધકામ માટે અને પ્રીકાસ્ટ બોક્સ ગર્ડર ઈન્સ્ટોલ કરવા માટે વપરાતી ખાસ હેતુ માટેની મોબાઈલ ગેન્ટ્રી ક્રેન હતી.
વડા પ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થાણે જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર થયેલી દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોનાં પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. એમણે પ્રત્યેક મૃતકના પરિવારને રૂ. 2-2 લાખ અને પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ.50-50 હજારનું આર્થિક વળતર આપવાની જાહેરાત કરી છે.