એપ્રિલ-મેમાં 14,302 કરોડ રૂપિયાની GST ચોરી બહાર આવી, 28 લોકોની ધરપકડ

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં, રૂ. 14,302 કરોડની જીએસટી ચોરીના 2,784 કેસ શોધી કાઢવામાં આવ્યા હતા, જ્યારે આ સમયગાળા દરમિયાન રૂ. 5,716 કરોડની કર વસૂલાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં આ માહિતી આપી હતી. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અને આવકવેરા ચોરી અને કસ્ટમ્સ વિભાગ દ્વારા દાણચોરીના કેસોની તપાસની વિગતો આપી હતી.

ડેટા મુજબ 2020-21 થી 2023-24 (એપ્રિલ-મે) વચ્ચે 43,516 કેસોમાં રૂ. 2.68 લાખ કરોડની GST કરચોરી મળી આવી હતી. આ સમયગાળા દરમિયાન 76,333 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી, જ્યારે 1,020 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

મંત્રીના જવાબ મુજબ, ચાલુ નાણાકીય વર્ષ (એપ્રિલ-મે)માં રૂ. 14,302 કરોડની જીએસટી ચોરીના 2,784 કેસ મળી આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 5,716 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. સર્વે મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ અને જપ્તીના આંકડા, 3,946 જૂથો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને 6,662 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.