નવી દિલ્હીઃ ઉત્તરાખંડના દહેરાદૂનમાં થયેલા રોડ એક્સિડન્ટે ફરી એક વાર રસ્તા પર દોડતા મોતને લઈને ચિંતા વધારી દીધી છે. સુપ્રીમ કોર્ટ પણ એના પર ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લાં 10 વર્ષમાં 15 લાખથી વધુ મોત થઈ ચૂક્યાં છે. દેશમાં પ્રતિ 10,000 કિલોમીટર પર આશરે 250 લોકોનાં મોત થયાં છે. જે અમેરિકા, ચીન અને ઓસ્ટ્રેલિયામાં 57,119 અને 11 છે.
દેશમાં છેલ્લાં 10 વર્ષો ( 2014-2023)માં 15.3 લાખ લોકોનાં મોત થયાં છે, જ્યારે 2004-2013 દરમ્યાન 12.1 લાખ લોકોનાં મોત થયાં હતાં. આ આંકડો ચંડીગઢની વસતિથી વધુ છે. અમેરિકામાં પ્રતિ 57,119 કિલોમીટરે આ રેશિયો છે. આ સાથે દેશમાં આ રોડ એક્સિડન્ટમાં છેલ્લાં 10 વર્ષો (2014-2023)માં 45.1 લાખ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 2004-2013માં 50.3 લાખ લોકો ઘાયલ થયા હતા. જોકે દેશમાં 2012ની તુલનાએ 2024માં નોંધાયેલા વાહનોની સંખ્યા બમણી થઈ છે. વર્ષ 2012માં દેશમાં 15.9 કરોડ ગાડીઓ હતી, જ્યારે 38.3 કરોડ કારો છે.
દેશમાં વર્ષ 2012માં 50-3 લાખ કિલોમીટરના રસ્તા હતા, જે 2024માં વધીને 63.3 લાખ કિલોમીટર થયા છે. રસ્તા પર મોતના મામલે દેશમાં જે ટોચનાં રાજ્યો છે, એમાં વર્ષ 2023માં ઉત્તર પ્રદેશ (23,652), મહારાષ્ટ્ર (15,224), મધ્ય પ્રદેશ (13,427), કર્ણાટક (11,702) અને રાજસ્થાન (11,104)નો સમાવેશ થાય છે.
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં ગઈ કાલે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ઇનોવા કાર કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતાં છ લોકોનાં મોત થયાં હતાં, મૃતકોમાં ત્રણ યુવકો અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે. જ્યારે એક યુવક એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ મુસાફરો વિદ્યાર્થીઓ હતા. તમામની ઉંમર 25 વર્ષથી ઓછી છે. અકસ્માત બાદ ટ્રકચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.