કશ્મીરમાં સુરક્ષા-જવાનો પર પથ્થરમારો કરનાર 10-ઉપદ્રવીની ધરપકડ

શ્રીનગરઃ ત્રાસવાદી સંગઠન અલ-બદ્રના ત્રણ ત્રાસવાદીને ગયા શુક્રવારે દક્ષિણ કશ્મીરના કાકાપોરા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ખતમ કરવામાં આવ્યા હતા, પણ તે દરમિયાન કેટલાક સ્થાનિક લોકોએ સ્થાનિક પોલીસ, લશ્કર અને સીઆરપીએફના જવાનોની એક સંયુક્ત ટૂકડી પર પથ્થરમારો કર્યો હતો. એ ઘટનાના સંદર્ભમાં પોલીસે 10 ઉપદ્રવીની ધરપકડ કરી છે.

પોલીસ પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કાકાપોરા એન્કાઉન્ટર સ્થળ નજીક તૈનાત કરવામાં આવેલા સુરક્ષા જવાનો પર નજીકના સામ્બૂરા ગામના કેટલાક તોફાની તત્ત્વોએ પથ્થરમારો કર્યો હતો, દેશ-વિરોધી નારા લગાવ્યા હતા અને સુરક્ષા જવાનોની કામગીરીને ખોરવી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. પથ્થરમારાની ઘટનાની વિડિયોગ્રાફી કરવામાં આવી હતી અને તેના આધારે બાદમાં પોલીસે 10 તોફાનીને ઓળખી કાઢ્યા હતા અને એમની ધરપકડ કરી છે. આ તોફાની તત્ત્વો સામે કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પથ્થરમારામાં સંડોવાયેલા અન્ય યુવાનોની શોધખોળ ચાલુ છે. આ પ્રકારના બનાવોને સાંખી નહીં લેવાય અને માતા-પિતાઓ/વાલીઓએ એમના સંતાનોને આ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ કરતા રોકવા જોઈએ.

(ફાઈલ તસવીરઃ Wikimedia Commons)