શ્રીનગરઃ આતંકવાદી યાસિન મલિકને સજાના વિરોધમાં સૂત્રોચ્ચાર અને પથ્થરમારો કરવાના આરોપમાં કશ્મીરના શ્રીનગરમાં 10 લોકોની UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું હતું કે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ધરપકડ અડધી રાતે કરવામાં આવી હતી. પોલીસ જણાવ્યાનુસાર આ આરોપીઓ તેમના ઘરની બહાર તોફાન, દેશવિરોધી સાંપ્રદાયિક સૂત્રોચ્ચાર અને ગુંડાગર્દીમાં સામેલ હતા.
યાસિન મલિકને ફાંસીને બદલે ઉંમરકેદ કેમ?
ટેરર ફન્ડિંગના દોષી અલગાવવાદી નેતા યાસિન મલિક આજીવન જેલમાં રહેશે. પટિયાલા હાઉસ કોર્ટના વિશેષ NIA જસ્ટિસ પ્રવીણ સિંહે યાસિન મલિકને UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) અને ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ કલમો હેઠળ આજીવન કેદની સજા સંભળાવી છે.
પટિયાલા હાઉસની વિશેષ કોર્ટે 10 મેએ ટેરર ફન્ડિંગ મામલે UAPAના બધા આરોપોનો મલિકે સ્વીકાર કર્યો હતો. મલિકે કોર્ટને કહ્યું હતું કે તે તેની સામેના લગાવવામાં આવેલા આરોપોનો સામનો કરવા નથી ઇચ્છતો.
ભારતીય દંડ સંહિતાની કલમ 121 હેઠળ NIAએ યાસિન મલિકને મૃત્યુદંડની માગ કરી હતી, પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર મૃત્યુદંડ માત્ર દુર્લભ કેસોમાં જ આપવો જોઈએ. ઉંમરકેદ નિયમ છે, જ્યારે મૃત્યુદંડ અપવાદ, જે પછી કોર્ટે યાસિન મલિકને ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી હતી.
કોર્ટે કહ્યું હતું કે નાણાં આતંકવાદી કામકાજ ચલાવવા માટે કરોડરજ્જુનું કામ કરે છે. પાકિસ્તાની સંત્થાઓ, હાફિસ સઇદ અને હવાલા અન્ય અન્ય માધ્યમો દ્વારા ફંડ એકત્ર કર્યું હતું અને એનો ઉપયોગ લોકોને ભડકાવવા, પથ્થરબાજી કરવા, જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડવાની સાથે ખીણમાં હિંસક કામગીરી કરવા અને સુરક્ષા દળો પર હુમલા કરવા માટે કર્યો હતો. મારી નજરમાં આ હાલના સમયનો સૌથી ગંભીર ગુનો છે, એમ વિશેષ કોર્ટના જસ્ટિસે કહ્યું હતું.