નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસ વિરોધી લોકડાઉનનો આજે 45મો દિવસ છે. મહાબીમારીને પગલે લાગુ કરાયેલા લોકડાઉનને લીધે દેશના અર્થતંત્રના કેટલાંક મહત્ત્વનાં ક્ષેત્રોમાં પ્રતિકૂળ અસર થઈ છે. જેથી દેશમાં નોકરીઓ પર મોટું સંકટ ઝળૂંબી રહ્યું છે. દેશના સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને નોકરી ગુમાવવાનું જોખમ લોકોને વધુ ગરીબીની ગર્તામાં ધકેલી દેશે. આર્થિક થિંક ટેન્ક CMIEના તાજા આંકડા દર્શાવે છે કે એપ્રિલમાં દેશનો બેરોજગારી દર 23.5 ટકા વધ્યો છે. અહેવાલ દર્શાવે છે કે તામિલનાડુ, ઝારખંડ અને બિહારમાં અનુક્રમે 49.8 ટકા, 47.1 ટકા અને 46.6 ટકા બેરોજગારી છે. જોકે એ પંજાબ, છત્તીસગઢ અને તેલંગાણામાં અનુક્રમે 2.9 ટકા, 3.4 ટકા અને 6.2 ટકા છે, એમ CMIEના સર્વેના પરિણામો દર્શાવે છે.
ત્રીજી મે સુધીમાં સૌથી વધુ – 27.1 ટકા બેરોજગારીનો દર
આ CMIE જોબ્સ સર્વે અનુસાર ત્રીજી મેએ પૂરા થતા સપ્તાહ સુધીમાં બેરોજગારીનો દર વધીને 27.1 ટકા થયો હતો, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. માર્ચ અને એપ્રિલ, 2020 સુધીમાં અંદાજે 11.4 કરોડ લોકોએ રોજગાર ગુમાવ્યો છે. જોકે રોજગાર મેળવનારાઓની કુલ ગણતરી 40 કરોડ કરવામાં આવી છે, જેમાંથી 11.4 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. આનો અર્થ એ છે કે દર ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિએ નોકરી ગુમાવી છે, એમ CMIEના CEO અને મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે કહ્યું હતું. તેમણે પોતાની પોસ્ટમાં ત્રીજી મે સુધીના ડેટામાં સંકેત આપ્યો હતો કે આ દર હજી વધે એવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે રોજગારીને મુદ્દે પરિસ્થિતિ ઘણી ગંભીર છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉનમાં વધારો થવાથી પરિસ્થિતિ ઓર વણસશે.
એપ્રિલમાં બેરોજગારીના દરમાં વધારો
સર્વેમાં જોવા મળ્યું હતું કે પ્રારંભમાં બેરોજગારીનો દર 23 ટકાથી વધીને 24 ટકા થયો હતો અને પછી એ એપ્રિલમાં વધીને 26 ટકા થયો હતો. જોકે ગયા સપ્તાહે એ ઘટીને 21 ટકા થયો હતો., કેમ કે ગ્રામીણ ભારતમાં લોકડાઉનમાં રાહત આપવામાં આવતાં લોકો ફરી કામે વળગ્યા હતા.
આ ક્ષેત્રો સૌથી વધુ અસરગ્રસ્ત
લઘુ, નાના, મધ્યમ ઉદ્યોગો (MSME), હોટેલ અને રેસ્ટોરાં, મલ્ટિપ્લેક્સ, રિટેલ, એરલાઇન્સ, ઉત્પાદન પ્રવૃત્તિ અને મીડિયા પર સૌથી વધુ ખરાબ અસર પડી છે. જેથી આ ક્ષેત્રે કામ કરતા લોકોની નોકરીઓને ગુમાવવાનો વધુ ડર છે. જોકે કૃષિ ક્ષેત્રમાં બહુ પ્રતિકૂળ અસર નહીં પડે અને ગ્રામીણ વિસ્તારોને ઓછી અસર થશે, પરંતુ ખેડૂતોની ચોખ્ખી આવક અંગે અનિશ્ચિતતા ઊભી થશે. નિષ્ણાતોએ કહ્યું હતું કે અસંગઠિત ક્ષેત્રના લોકોએ આ રોગચાળાને પગલે થયેલા લોકડાઉનનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે.