ભોપાલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીંના રાની કમલાપતિ રેલવે સ્ટેશનેથી પાંચ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવીને એમની સેવાનો શુભારંભ કરાવ્યો હતો. આ વંદે ભારત ટ્રેનો દેશમાં છ રાજ્યોને જોડે છે.
આત્મનિર્ભર બનવાના માર્ગે આગળ વધી રહેલા ભારતે આ સાથે એક નવી મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો હવે દેશમાં અસંખ્ય મહત્ત્વના સ્ટેશનોને જોડતી થઈ છે. આ સેમી-હાઈ સ્પીડ ટ્રેનો જે રાજ્યોમાં દોડતી થઈ છે એ તમામમાં હવે રેલવેનાં પાટાઓનું 100 ટકા વીજળીકરણ થઈ ગયું છે.
વડા પ્રધાન મોદીએ આજે રવાના કરેલી પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો છેઃ ભોપાલ-ઈન્દોર, ભોપાલ-જબલપુર, ગોવા-મુંબઈ, હાટિયા-પટના અને બેંગલુરુ-ધારવાડ. વંદે ભારત ટ્રેન સેવા વડે ઝારખંડ, બિહાર અને ગોવા રાજ્યોને આ પહેલી વાર જોડવામાં આવ્યા છે. આ ટ્રેન આ રૂટ્સ પર દોડી રહેલી અન્ય ફાસ્ટેસ્ટ ટ્રેનો કરતાં આશરે 30 મિનિટ જેટલી વધારે ફાસ્ટ દોડશે.
દેશમાં આ સાથે કુલ 23 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડતી થઈ છે, જે અપ અને ડાઉનમાં 46 ફેરી કરે છે. આ તમામ ટ્રેનોનું નિર્માણ ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ અંતર્ગત દેશી ટેક્નોલોજી મુજબ કરવામાં આવ્યું છે. દરેક ટ્રેન આઠ કોચની, ચેરકાર સુવિધાવાળી છે. દરેક ડબ્બાની બોડી સ્ટેનલેસ સ્ટીલની બનાવેલી છે. તમામ બોગીઓ અત્યાધુનિક સસ્પેન્ડેડ ટ્રેક્શન મોટર્સથી ચાલે છે, જેમાં સરળ અને સુરક્ષિત સફરની ખાતરી મળે છે. તદુપરાંત પ્રવાસીઓની સફર રાહતપૂર્ણ અને સુવિધાજનક રહે છે.