જૂનામાંથી નવા PF એકાઉન્ટમાં આ રીતે ફંડ ટ્રાન્સફર કરો

જો તમે નોકરી કરો છો તો એ વાત જાણતા જ હશો કે દર મહિને તમારા પગારમાંથી કેટલોક હિસ્સો પ્રોવિડન્ટ ફંડમાં જમા થાય છે, જે તમને નિવૃત થવા પર કે નોકરી બદલવા પર ઉપાડવાનો વિકલ્પ મળી જાય છે. તમને પ્રોવિડન્ટ ફંડમાંથી UAN ( યુનિવર્સલ એકાઉન્ટ નંબર) મળે છે. જેની મદદથી તમે તમારું એકાઉન્ટ ઓનલાઇન સરળતાથી ચેક કરી શકો છો કે તમારા ખાતામાં કેટલા નાણાં જમા થયેલાં છે.

કેટલીય વાર એવું થાય છે કે તમે નોકરી બદલો છો ત્યારે UAN બદલાઈ જાય છે. મતલબ કે જે કંપનીમાં તમે કામ કરતા હતા, ત્યાં અન્ય PF એકાઉન્ટમાં તમારું ફંડ જમા થઈ રહ્યું છે. નવી કંપનીમાં નવા એકાઉન્ટમાં ફંડ જમા થઈ રહ્યું છે.

તમારી પાસે બે વિકલ્પ છે

જો તમારી સાથે આવું થયું છે તો તમારી પાસે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ એ છે કે જૂના એકાઉન્ટથી બધા નાણાં ઉપાડી લો. બીજો વિકલ્પ એ કે જૂના એકાઉન્ટનું ફંડ નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લો. આ કામ બહુ સરળ છે અને ઘેરબેઠા ઓનલાઇન કરી શકાય છે. નિષ્ણાતો કહે છે કે જો બહુ જરૂરી ના હોય તો જૂના એકાઉન્ટના પૈસા ટ્રાન્સફર કરવાનો સારો વિકલ્પ છે.

EPFના e-સેવા પોર્ટલ પર જવું પડશે

હાલના સમયમાં જૂના pF એકાઉન્ટમાં જમા રકમને નવા એકાઉન્ટમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. આના માટે તમારે EPFની e-સેવા પોર્ટલ પર જવું પડશે. અહીં UAN અને પાસવર્ડ દ્વારા લોગ-ઇન કરવું પડશે.

ઓનલાઇન સર્વિસિસના ઓપ્શન પર જવું પડશે

લોગ-ઇન કર્યા પછી ઓનલાઇન સર્વિસિસનો ઓપ્શન આવશે, જેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ‘One Member – One EPF Account (Transfer request)’નો ઓપ્શન દેખાશે –જેના પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારી સામે ભૂતપૂર્વ કંપનીના PF એકાઉન્ટની વિગતો આવી જશે.

મોબાઇલ નંબર રજિસ્ટર હોવો જરૂરી

અહીં તમે વર્તમાન અથવા ભૂતપૂર્વ કંપનીનું ફોર્મ અટેસ્ટ કરવા માટે પસંદ કરી શકો છો. આ પ્રક્રિયા પૂરી થયા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે, જેને સબમિટ કરવાનો છે. એની સાથે જૂના PF એકાઉન્ટના પૈસા નવા PF એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.

2014માં UAN જારી કરવામાં આવ્યો હતો

પહેલાં અલગ-અલગ કંપનીઓનાં કામ માટે દરેક કંપનીનો અલગ pF નંબર રહેતો હતો, પણ 2014માં EPFOએ બધા EPFOના સબસ્ક્રાઇબરોને UAN નંબર જારી કર્યો હતો, જેથી આ બધી પ્રક્રિયા સરળ થઈ ગઈ.