10-મિનિટમાં ડિલિવરી સેવાની ટીકાઃ ઝોમેટોના માલિકનો ખુલાસો

મુંબઈઃ ફૂડ એગ્રીગેટર પ્લેટફોર્મ ઝોમેટોએ દેશના પસંદગીના શહેરોમાં ગ્રાહકોને તેમણે ઓર્ડર કરેલી ખાદ્યસામગ્રી 10-મિનિટમાં ડિલિવર કરવાની યોજનાની જાહેરાત કરી છે, પણ એની ઘણી ટીકા થઈ છે. તેને પગલે ઝોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે એવી સ્પષ્ટતા કરી છે કે, ‘અમારે નવીનતા લાવવાની છે. ભોજનની ગુણવત્તા અને ડિલિવરી પાર્ટનરની સુરક્ષા સાથે બાંધછોડ કર્યા વિના આ સેવા શરૂ કરાઈ છે. અમારા ડિલિવરી ભાગીદારો માટે 10-મિનિટમાં ડિલિવરીની સેવા 30-મિનિટમાં ડિલિવરીની સેવા જેટલી જ સુરક્ષિત છે. 30-મિનિટમાં ડિલિવરી સેવા બહુ ધીમી છે. એ જલદી નકામી થઈ જશે. જો અમે એને બદલીશું નહીં તો કોઈ બીજું એ કરશે. ઉદ્યોગમાં ટકી રહેવા માટે ઈનોવેશન કરવું પડે, આગળ વધવું પડે. આ સેવા ચોક્કસ પસંદ કરાયેલા નજીકના સ્થળો માટે, લોકપ્રિય તથા પ્રમાણિત ચીજવસ્તુઓ માટે જ હશે. નિશ્ચિત ડિલિવરી સમય 10 મિનિટનો હશે કે 30 મિનિટનો હશે એની જાણ ડિલિવરી બોયને કરાશે નહીં. ડિલિવરી મોડી પહોંચાડવા બદલ ડિલિવરી બોયને દંડ કરાશે નહીં. તેવી જ રીતે, 10 મિનિટ અને 30-મિનિટમાં ડિલિવરી યોજનાઓ માટે સમયસર ડિલિવરી કરનારને કોઈ સુવિધા પણ અપાશે નહીં. ચોક્કસ ગ્રાહક સ્થળો માટે 10-મિનિટની સેવા ચાલુ કરવા માટે અમે નવા ફૂડ સ્ટેશન્સ તૈયાર કરી રહ્યા છીએ. અમે ડિલિવરી પાર્ટનરોને એ માટેની તાલીમ આપીશું અને એમનો વીમો પણ ઉતરાવીશું.’

કોંગ્રેસના સંસદસભ્ય કાર્તિ ચિદમ્બરમે ઝોમેટોની 10-મિનિટમાં ડિલિવરી સેવાની ટીકા કરી છે અને કહ્યું છે કે, આ સાવ નકામી સેવા છે. આનાથી ડિલિવરી કર્મચારી પર બિનજરૂરી દબાણ ઊભું થશે. ડિલિવરી બોયના જાન જોખમમાં મૂકાશે.’ ચિદમ્બરમે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો છે અને સરકારને લેખિતમાં ફરિયાદ પણ કરી છે. રેસ્ટોરન્ટ માલિકોના સંગઠને પણ ઝોમેટોની આ સેવાને અયોગ્ય ગણાવી છે. અભિનેતા અને લેખક સુહેલ સેઠનું કહેવું છે કે, ‘આ સેવા ખતરનાક અને બિનજરૂરી છે. એને કારણે રસ્તા પર ચાલનારાઓ માટે પણ જોખમ વધી જશે. કોઈને એટલી બધી પણ ઉતાવળ હોતી નથી કે એમનું ખાવાનું ઓર્ડર કર્યાની 10 મિનિટમાં એમને મળી જાય.’ શિવસેનાનાં રાજ્યસભાનાં સદસ્ય પ્રિયંકા ચતુર્વેદીનું કહેવું છે કે, ‘આ દબાણ ખતરનાક બની શકે છે. કોઈ પણ ગ્રાહકને ફૂડનો ઓર્ડર આપ્યા બાદ 30-મિનિટ સુધી રાહ જોવામાં કોઈ વાંધો હોતો નથી.’