બેલાપૂર-મુંબઈ વચ્ચે વોટર-ટેક્સી સેવા શરૂ

મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરના બેલાપૂર ઉપનગર અને દક્ષિણ મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા વચ્ચે આજથી વોટર-ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે.

આ સેવા શરૂ થવાથી નવી મુંબઈથી દક્ષિણ મુંબઈ આવતા લોકોના પ્રવાસનો ઘણો સમય બચી જશે. બેલાપૂર જેટ્ટીથી વોટર-ટેક્સી સેવા માટે નયન ઈલેવન નામની વોટર-ટેક્સી છે. તેમાં નીચેના ડેક પર 140 પ્રવાસી બેસી શકે છે. જ્યારે બિઝનેસ ક્લાસ ડેક પર બીજા 60 જણ પ્રવાસ કરી શકે છે.

આ વોટર-ટેક્સી બેલાપૂરથી સવારે 8.30 વાગ્યે ઉપડી એક કલાકથી પણ ઓછા સમયમાં, 9.25 વાગ્યે ગેટવે ઓફ ઈન્ડિયા પહોંચશે. ગેટવે ઓફ ઈન્ડિયા ખાતેથી સાંજે 6.30 વાગ્યે વોટર-ટેક્સી ઉપડશે અને બેલાપૂર જશે. આ સેવા સોમવારથી શુક્રવાર ઉપલબ્ધ રહેશે. શનિવાર અને રવિવારે સેવા બંધ રહેશે.

લોઅર ડેકની વ્યક્તિદીઠ ટિકિટ રૂ. 250 છે જ્યારે ઉપર ડેક અથવા બિઝનેસ ક્લાસ પ્રવાસ માટેની ટિકિટનો ભાવ રૂ. 350 છે.