વેકેશન શરૂ, કાંદિવલીના ‘પરિવર્તન પુસ્તકાલય’નો લાભ લેવા બાળકોને સ્પેશિયલ ઓફર

મુંબઈઃ શાળાઓમાં ઉનાળાની મોસમનું વેકેશન શરૂ થઈ ગયું છે. બાળકો એક યા બીજી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ ગયા હશે. મોટાભાગના બાળકો ટીવી, મોબાઈલ કે વિડીયો ગેમ્સમાં ખોવાઈ ગયા હશે. બાળકોનાં માતા-પિતાને થતું હશે કે મારું સંતાન મોબાઈલ, વિડીયો ગેમ્સ કે ટીવીની દુનિયામાંથી બહાર નીકળી કંઈક રચનાત્મક પ્રવૃત્તિ તરફ વળે. આમ તો આપણી આસપાસ અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, પરંતુ પોતાનું બાળક કંઈક નવું શીખે એવી મહેચ્છા માતા-પિતા રાખતા હોય છે. એક પ્રવૃત્તિ એવી છે, જે બાળકોને જીવનભર ઉપયોગી થશે એની તેમની કારકિર્દી ઘડવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

આ પ્રવૃત્તિ છે, સારા પુસ્તકોના વાંચનની. કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સ્થાપિત, ગુજરાતી ભાષા ભવન સંચાલિત ‘પરિવર્તન પુસ્તકાલય’ બાળકોથી માંડી યુવા અને વરિષ્ઠ નાગરિકોના વર્ગને વૈવિધ્યસભર અનેક પુસ્તકો વાંચવાની તથા ઘરે લઈ જઈને વાંચવાની તક પૂરી પાડે છે. તે પણ સાવ નજીવી ફી લઈને. ‘પરિવર્તન પુસ્તકાલય’ એક સર્ક્યૂલેટિંગ લાઈબ્રેરી છે, જે સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ ચાલુ રહે છે, કિંતુ અહી પુસ્તકોનો ખજાનો છે. બાળકો માટે સતત નવા પુસ્તકો આવતા જ રહે છે. આજે અનેક બાળકો તેનો લાભ લે છે. તેનો અનુભવ તો બાળકો આ પુસ્તકાલયની મુલાકાત લે તો જ ખબર પડે. માત્ર રૂ.૧૦૦ની એન્ટ્રી ફી (વન ટાઈમ) અને આખા વરસના રૂ.૩૦૦માં વાંચન ફી છે. ૧૨ વરસની વય સુધીના બાળકો માટે વાર્ષિક ફી માત્ર રૂ. ૨૦૦ રહેશે. એક સમયે એક સાથે બે પુસ્તકો અને બે મેગેઝિન આપવામાં આવે છે. આ પુસ્તકાલયનો ઉદેશ સારા વાંચનના પ્રચાર અને પ્રસારનો છે, કોઈ નફાનો નથી.

પુસ્તકાલયનું સરનામું: જૂની દેવજી ભીમજી સ્કુલ, દેવજી ભીમજી લેન, ઓફ્ફ મથુરાદાસ રોડ, લક્ષ્મી નારાયણ મંદિરની નજીક, સહયોગ બેકરીની પાછળ, મોગાવીરા કો-ઓ. બેંકની પાસે, કાંદિવલી-વેસ્ટ. માત્ર શનિ અને રવિવાર ૧૦.૩૦ થી ૧૨.૩૦ અને બુધવાર ૪ થી ૬.