મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન માટેની ભલામણને કેન્દ્રીય પ્રધાનમંડળે મંજૂરી આપી

મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકારની રચના કરવાના મામલે તમામ ચાર મુખ્ય રાજકીય પક્ષો – ભારતીય જનતા પાર્ટી, શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ જરૂરી સંખ્યાબળ રજૂ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની રાજ્યપાલની ભલામણને કેન્દ્રીય પ્રધાનમંડળે મંજૂરી આપી દીધી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યપક્ષ હેઠળ આજે મળેલી કેન્દ્રીય કેબિનેટે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી દીધી છે.

એક અહેવાલ અનુસાર, રાજ્યપાલ કોશિયારીએ જ મહારાષ્ટ્ર રાજ્યને રાષ્ટ્રપતિ શાસન હેઠળ મૂકી દેવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી જેને કેન્દ્રીય પ્રધાનમંડળે માન્ય રાખી છે.

રાષ્ટ્રપતિ શાસન અંગેના નિર્ણય સામે શિવસેનાને વાંધો પડ્યો છે અને એણે સુપ્રીમ કોર્ટમાં એક પીટિશન નોંધાવી છે. એણે પોતાની વકીલાત કરવા માટે કપિલ સિબ્બલને રોક્યા હોવાનું સૂત્રોનું કહેવું છે.

શિવસેના ગઈ સુુપ્રીમ કોર્ટમાં

દરમિયાન, પોતાને સરકાર રચવા માટે રાજ્યપાલ કોશિયારીએ પૂરતો સમય ન આપ્યો અને હવે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી દીધી એની સામે શિવસેનાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. શિવસેનાએ પોતાની પીટિશન પર તાકીદે સુનાવણી કરવાની પણ માગણી કરી છે.

શિવસેનાએ પોતાનો કેસ લડવા માટે સુપ્રીમ કોર્ટના સિનિયર લૉયર કપિલ સિબ્બલને રોક્યા છે.

શિવસેનાએ પોતાના કેસમાં કેન્દ્ર સરકાર, કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને મહારાષ્ટ્ર સરકારને પ્રતિવાદી તરીકે ગણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ કોશિયારીએ સરકાર રચવાનો દાવો કરવા માટે ગયા રવિવારે શિવસેનાને આમંત્રણ આપ્યું હતું અને એ માટે 24 કલાકનો સમય આપ્યો હતો. શિવસેનાના આદિત્ય ઠાકરે પક્ષના અન્ય નેતાઓ સાથે રાજ્યપાલને 24 કલાક પહેલા જ મળવા પહોંચી ગયા હતા અને કહ્યું હતું કે 24 કલાકનો સમય ઓછો છે, કારણ કે સહયોગી પક્ષો (કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વિધાનસભ્યોની વિગતો સાથે ટેકાના પત્રો એટલા ઓછા સમયમાં મેળવવાનું મુશ્કેલ છે તેથી એને વધુ બે દિવસ આપવામાં આવે. પરંતુ, રાજ્યપાલે એમની માગણીને નકારી કાઢી હતી. અને સંખ્યાબળની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને રહેલા એનસીપીને સરકાર રચવા દાવો કરવાનું આમંત્રણ આપ્યું હતું. એને પણ રાજ્યપાલે 24 કલાકનો સમય આપ્યો હતો. જે સમય આજે રાતે 8.30 વાગ્યે પૂરો થાય છે.

રાજ્યપાલ ભગતસિંગ કોશિયારી પાસેના વિકલ્પો

શિવસેના અને ભાજપ વચ્ચે સરકાર બનાવવાને લઈને કેટલાક મતમતાંતરો છે. ત્યારે સંવિધાનના વિશેષજ્ઞો અનસાર મહારાષ્ટ્રમાં જો કોઈ પાર્ટીની સરકાર ન બની શકે તો રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સામે નીચે દર્શાવ્યા મુજબના કેટલાક વિકલ્પો હોઈ શકે છે.

  • જ્યાં સુધી નવા મુખ્યમંત્રી ન મળી જાય ત્યાં સુધી રાજ્યપાલ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપનારા દેવેન્દ્ર ફડણવીસને કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે કામ કરવા માટે કહી શકે છે. સંવિધાન અંતર્ગત જરુરી નથી કે મુખ્યમંત્રીનો કાર્યકાળ વિધાનસભા સાથે જ ખતમ થઈ જાય.
  • રાજ્યપાલ સૌથી વધારે સીટો જીતનારી પાર્ટીના કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવી શકે છે. આવામાં ભાજપના કોઈ મંત્રી મુખ્યમંત્રી બની શકે છે. જો કે મુખ્યમંત્રી બન્યા બાદ ભાજપાને વિધાનસભામાં બહુમત સાબિત કરવો પડશે. અત્યારે જે સ્થિતી છે તેમાં લાગતું નથી કે ભાજપા બહુમત સાબિત કરી શકશે.
  • રાજ્યપાલ મહારાષ્ટ્ર વિધાનસભાને પોતાના નેતા પસંદ કરવા માટે કહી શકે છે. આવું સુપ્રીમ કોર્ટના એક નિર્ણયના આધાર પર કહી શકાય છે. 1998માં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં આવું કરવાનો આદેશ આપ્યો હતો.
  • જો આ ત્રણેય વિકલ્પોમાંથી કોઈ સરકાર ન બની શકે તો રાજ્યપાલ સામે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની રજૂઆત કરવા સિવાય કોઈ વિકલ્પ નહી બચે. આ સ્થિતીમાં રાજ્યની કમાન કેન્દ્ર સરકારના હાથમાં રહેશે. અત્યારે રાજ્યમાં જે સ્થિતીઓ છે તેમાં રાષ્ટ્રપતિ શાસન આવે તેવી જ શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે.