મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બનશે, સહમતિ સધાઈ છેઃ શરદ પવાર

મુંબઈ – મહારાષ્ટ્રમાં સરકારની રચનામાં અતિશય વિલંબ થયો છે, પણ હવે એનો ઉકેલ ખૂબ નજીકમાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બનશે, એવું સરકાર રચનામાં તેની સહયોગી પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે આજે જણાવ્યું છે.

પવારે કહ્યું કે આજે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ, એમ ત્રણેય સહયોગી પાર્ટીઓના નેતાઓની અહીં બેઠક મળી હતી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બને એ વિશે ત્રણેય પાર્ટી વચ્ચે સહમતિ સધાઈ છે.

પવારે કહ્યું કે અમારી વચ્ચે હવે મહારાષ્ટ્ર સંયુક્ત સરકારના નેતૃત્ત્વ મામલે કોઈ સમસ્યા રહી નથી. સર્વસંમતિ સધાઈ છે.

ઉદ્ધવ ઠાકરે પણ મુખ્ય પ્રધાન બનવા માટે સહમત થયા છે, એમ પણ પવારે કહ્યું છે.

એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું છે કે આવતીકાલે ત્રણેય સહયોગી પાર્ટીની મુંબઈમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજાશે અને એમાં મુખ્ય પ્રધાનના નામની ઘોષણા કરવામાં આવશે તથા અન્ય જાણકારી પણ આપવામાં આવશે.

ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોને કહ્યું કે, પહેલી જ વાર અમારા ત્રણેય પાર્ટીના વરિષ્ઠ નેતાઓની વિગતવાર બેઠક યોજાઈ હતી. અનેક બાબતો પર અમારી ત્રણેય પાર્ટીમાં સર્વસંમતિ સધાઈ છે, પરંતુ અમે નક્કી કર્યું છે કે કોઈ પણ બાબત અધૂરી રહેવા દેવી નહીં. બધી બાબત પૂરી થઈ જાય ત્યાર પછી જ સરકાર રચવાનો દાવો કરવા જવાનું.

દક્ષિણ મુંબઈમાં આવેલા નેહરુ સેન્ટરમાં આજે ત્રણેય પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. એમાં શરદ પવાર, પ્રફુલ પટેલ, જયંત પાટીલ, અજીત પવાર (એનસીપી) ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, સંજય રાઉત (શિવસેના) અને એહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે, કે.સી. વેણુગોપાલ, બાળાસાહેબ થોરાત, પૃથ્વીરાજ ચવ્હાણ (કોંગ્રેસ) હાજર રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં ગઈ 24 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ એકેય પક્ષને બહુમતી ન મળતાં એકેય પક્ષે સરકાર રચવાનો દાવો કર્યો નહોતો. પરિણામે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. બીજી બાજુ, શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સંયુક્ત સરકાર રચવા માટે પ્રયાસો આદર્યા હતા અને એ પ્રયાસોને ધીમે ધીમે જોર મળતું રહ્યું છે.