મુંબઈમાં પ્રદૂષણ વધ્યું; એર ક્વાલિટી ‘ખરાબ’ કેટેગરીમાં આવી

મુંબઈ – રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં હવાના પ્રદૂષણે ગંભીર ચિંતા ઊભી કરી દીધી છે ત્યારે દેશના આર્થિક પાટનગર મુંબઈમાં પણ હવાનું પ્રદૂષણ બગડવા માંડ્યું છે.

સેન્ટ્રલ પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડના જણાવ્યા મુજબ, મુંબઈમાં આજે સવારે એર ક્વાલિટી ઈન્ડેક્સ (AQI) 235 હતો. ગઈ કાલે 10 સ્ટેશન ખાતે એર ક્વાલિટી ઈન્ડેક્સ (AQI) સવારે 217 હતો અને સાંજે 202 હતો.

શહેરમાં એર ક્વાલિટી આ મોસમમાં પહેલી જ વાર ‘ખરાબ’ કેટેગરીમાં સામેલ થઈ છે.

CPCBના જણાવ્યા મુજબ, AQI જો 0-50ની રેન્જમાં હોય તો વાતાવરણ ‘સારું’ ગણાય. 51-100 રેન્જમાં હોય તો ‘સંતોષજનક’, 101-200 રેન્જમાં હોય તો ‘મધ્યમ’, 201-300ની રેન્જમાં હોય તો ‘ખરાબ’, 301-400 હોય તો ‘ઘણું ખરાબ’ અને 400થી વધારે હોય તો તે ‘ગંભીર’ ગણાય.

મુંબઈમાં અત્યાર સુધી વાતાવરણ સારું રહેતું હતું, પરંતુ ગઈ કાલે પ્રદૂષણનું પ્રમાણ વધી જતાં AQI ઊંચે ગયો હતો અને તેની રેન્જ 217 પર પહોંચી જતાં મુંબઈને પણ ખરાબ હવામાનની કેટેગરીમાં મૂકી દેવું પડ્યું.

હવામાન વિભાગની વેબસાઈટના જણાવ્યા મુજબ, મુંબઈમાં ગઈ કાલે હવાના પ્રદૂષણનું સ્તર આરોગ્ય માટે ખરાબ હતું. વાતાવરણમાં ધૂમ્મસ સાથે તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ હતું. ભેજ 48 ટકા હતો. વિઝિબિલિટી 2.2 કિ.મી.ની હતી.