10-જાન્યુઆરીએ ગુજરાતી સમાજ સાથે ઉદ્ધવ ઠાકરેનો સંવાદ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે શહેરમાં વસતા ગુજરાતી સમાજનાં લોકો સાથે સંવાદ કરવાના છે. આ કાર્યક્રમ આવતી 10 જાન્યુઆરીએ નિર્ધારિત છે. એને શિર્ષક અપાયું છેઃ ‘મુંબઈમાં જલેબી ને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણા.’ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી 2022ના ફેબ્રુઆરીમાં યોજાવાની છે. એ વખતે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત 10 શહેરોમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે.

શિવસેનાના નેતા અને ગુજરાતી સમાજના જાણીતા આગેવાન હેમરાજ શાહના નેતૃત્ત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાનાર છે. મુંબઈના ગુજરાતી મતદારોને જાગૃત કરવા માટે 10 જાન્યુઆરી, 2021ના રવિવારે સવારે 10 વાગ્યે નવનીત હોલ, ગુજરાતી સમાજ ભવન, લોટસ પેટ્રોલ પમ્પની સામે, ઓશિવરા જોગેશ્વરી લિન્ક રોડ, જોગેશ્વરી (વેસ્ટ) ખાતે આ સમારોહનું આયોજન કરાનાર છે. કોરોનાને કારણે પ્રથમ આવનાર 100 જણને જ કાર્યક્રમ હોલમાં પ્રવેશ આપવામાં આવશે. હાલ મુંબઈ મહાનગરપાલિકામાં શિવસેના-ભાજપનું સંયુક્ત શાસન છે, પરંતુ રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે આ બંને પક્ષ વચ્ચે અણબનાવ થયો છે. મુંબઈમાં ગુજરાતી મતદારો સામાન્ય રીતે ભાજપની વોટ બેન્ક ગણાય. તેથી હવે મુંબઈ મહાપાલિકાની ચૂંટણી સ્વબળે જીતવા અને શહેરના ગુજરાતી મતદારોનો સાથ મેળવવા માટે શિવસેના તરફથી ગુજરાતી સમાજ સાથે સંવાદના કાર્યક્રમનું આયોજન કરાયું છે.