કેન્દ્ર ગરીબોને મફતમાં કોરોના-રસી આપે: મહારાષ્ટ્ર આરોગ્યપ્રધાન

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું છે કે જે લોકો ગરીબીની રેખાની નીચે જીવે છે એ બધાયને કેન્દ્ર સરકારે કોરોના વાઈરસની રસી મફતમાં પૂરી પાડવી જોઈએ. કોરોના રસીના બે ડોઝ લેવાના રહેશે. પ્રત્યેક ડોઝ અઢીસો રૂપિયાનો હશે એટલે દરેક વ્યક્તિને કુલ રૂ. 500નો ખર્ચ થશે. મારું માનવું છે કે રસી ખરીદવાનો ખર્ચ કેન્દ્ર સરકારે જ ઉઠાવવો જોઈએ અને મહારાષ્ટ્ર સરકારને સપ્લાય કરવી જોઈએ. ગરીબ લોકોને રસી માટે 500 રૂપિયા ચૂકવવામાં મુશ્કેલી પડશે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને માસ્ક, વેન્ટિલેટર્સ, આરટી-પીસીઆર કિટ્સ સપ્લાય કરવાનું બંધ કરી દીધું છે. રાજ્ય સરકાર પોતાની તિજોરીમાંથી પૈસા ખર્ચીને આ બધી ચીજવસ્તુઓ ખરીદી રહી છે.

ટોપેએ વધુમાં કહ્યું કે, રાજ્યમાં 8 જાન્યુઆરીએ કોરોના રસીકરણ પ્રક્રિયા માટેની મોક-ડ્રિલ (ડ્રાય રન)નું આયોજન કરાશે. તે દ્વારા ચકાસણી કરવામાં આવશે કે રસીકરણ પ્રક્રિયા માટે ઘડાયેલી યંત્રણા કેટલી સુસજ્જ છે. ગયા શનિવારે રાજ્યના ચાર જિલ્લામાં ડ્રાય રનનું આયોજન કરાયું હતું, પણ હવે 8 જાન્યુઆરીએ પ્રત્યેક જિલ્લામાં ડ્રાય રન કરાશે અને એ રીતે મહારાષ્ટ્ર પણ દેશવ્યાપી ડ્રાય રન ઝુંબેશમાં જોડાશે. દેશના ડ્રગ્સ કન્ટ્રોલરે બે કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે – પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને હૈદરાબાદની ભારત બાયોટેકની કોવેક્સિન.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]