ઉદ્ધવ ઠાકરેએ વિધાન પરિષદની બેઠક માટે ઉમેદવારી નોંધાવી

મુંબઈઃ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાન પરિષદની બેઠકની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી આજે નોંધાવી દીધી છે. ચૂંટણી પરિણામની જાહેરાત 21 મેએ કરવામાં આવશે.

ઠાકરેએ આજે દક્ષિણ મુંબઈસ્થિત વિધાનભવનમાં જઈને પોતાનું ઉમેદવારીપત્ર સુપરત કર્યું હતું. એમની સાથે એમના પત્ની રશ્મી, પુત્રો – આદિત્ય અને તેજસ તથા મહાવિકાસ આઘાડી સરકારના અમુક સિનિયર નેતાઓ ઉપસ્થિત હતા.

ઉમેદવારી નોંધાવવા માટેની અંતિમ તારીખ 11 મે છે. ઉમેદવારીપત્રોની ચકાસણી 12 મેએ કરાશે અને ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ 14 મે છે.

ઉદ્ધવ ઠાકરે હાલ રાજ્ય વિધાનમંડળના એકેય ગૃહના સભ્ય નથી. તે વિધાન પરિષદની ચૂંટણી માટેના એક નામાંકિત નેતા છે. હાલના વિધાન પરિષદના સભ્યોની મુદત 24 એપ્રિલે પૂરી થઈ ગયા બાદ આ ચૂંટણી યોજવી જરૂરી બની છે. ઉદ્ધવ બિનહરીફ ચૂંટાઈ આવશે એ નિશ્ચિત છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારનું નામાંકન પાછું ખેંચી લીધું છે.

કુલ 9 બેઠકો માટે ચૂંટણી થવાની છે, જેના પરિણામની જાહેરાત 21 મેએ કરાશે.

વિધાન પરિષદની ચૂંટણી માટે 288-સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા મતદારમંડળ છે. કોઈ પણ ઉમેદવારને વિધાન પરિષદની બેઠક જીતવા માટે 29 મત જીતવા પડે. કોંગ્રેસ પાસે 44 વિધાનસભ્યો છે.

શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ હજી સુધી પોતાના બબ્બે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ બંને પાર્ટી રાજ્યમાં શાસક ભાગીદાર છે. એમની સાથે ત્રીજી કોંગ્રેસ પાર્ટી છે.

વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીએ એના ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.