મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતું તુલસી સરોવર છલકાઈ ગયું

મુંબઈ – એક તરફ છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે મુંબઈમાં જનજીવનને અસર પડી છે, ત્યારે બીજી બાજુ એવા આનંદ આપતા સમાચાર છે કે આ વરસાદે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા તુલસી સરોવરને છલકાવી દીધું છે.

મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાંનું એક તુલસી છે. તે આજે સવારે 7.30 વાગ્યાથી છલકાવા માંડ્યું હતું.

મહાનગરપાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ, આ વર્ષે આ તળાવ ઘણું વહેલું ભરાઈ ગયું છે. ગયા વર્ષે આ તળાવ 14 ઓગસ્ટે ભરાયું હતું. આ વખતે જૂન મહિનામાં અને જુલાઈના પહેલા જ અઠવાડિયામાં પડેલા જોરદાર વરસાદને કારણે આ તળાવ એક મહિનો વહેલું ભરાઈ ગયું છે.

મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં તુલસી ઉપરાંત અન્ય છે – ભાત્સા, અપર વૈતરણા, મિડલ વૈતરણા, મોડકસાગર, તાનસા અને વિહાર.

તુલસી અને વિહાર તળાવ મુંબઈના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આવેલા છે.

મુંબઈને સૌથી વધારે 48 ટકા પાણી ભાત્સા જળાશય પૂરૂં પાડે છે. તુલસી 1-2 ટકા પાણી પૂરું પાડે છે. વળી, તમામ સરોવરોમાં આ સૌથી નાનું છે. મોડકસાગરમાં જળસપાટી અડધાથી ઉપર આવી ગઈ છે.

મુંબઈને પાણી પૂરું પાડતા સાતેય જળાશયોમાં સોમવાર, 9 જુલાઈ સુધીમાં 5.50 લાખ મિલિયન લીટર પાણી જમા થયું છે.

મુંબઈને આખું વર્ષ પાણી પૂરું પાડવા માટે આ તળાવોમાં કુલ 14 લાખ મિલિયન લીટર પાણી જમા થવું જોઈએ.