મુંબઈમાં અતિવૃષ્ટિ; વસઈ-વિરાર વચ્ચે ટ્રેનસેવા બંધ, ડબ્બાવાળાઓની સેવા પણ બંધ

મુંબઈ – હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ છે. શહેર અને ઉપનગરોમાં તેમજ પડોશના થાણે, પાલઘર જિલ્લાઓ અને નવી મુંબઈમાં ગઈ કાલ આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો અને આજે પણ એનું જોર યથાવત્ છે.

ભારે વરસાદને કારણે પડોશના પાલઘર જિલ્લાના વસઈ અને વિરાર વચ્ચે ટ્રેન સેવા સંપૂર્ણપણે બંધ છે. નાલાસોપારા સ્ટેશનના પાટા પર આજે પણ પાણી ભરાયા હોવાથી વસઈ અને વિરાર વચ્ચે અપ-ડાઉન બંને ટ્રેન સેવા બંધ છે. વસઈથી ચર્ચગેટ તરફનો ટ્રેનવ્યવહાર ચાલુ છે, પણ ટ્રેનો 15-20 મોડી દોડે છે. મધ્ય અને હાર્બર લાઈન પરની ટ્રેનસેવા પણ 20 મિનિટ જેટલી મોડી છે.

httpss://twitter.com/WesternRly/status/1016512689789534208

દહિસર પૂર્વમાં આવેલા એન.જી. પાર્ક વિસ્તારમાં 3 ઘર જમીનદોસ્ત થયાનો અહેવાલ છે. અગ્નિશામક દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સદ્દભાગ્યે એ ઘરોમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ થઈ નથી.

ભારે વરસાદને કારણે શહેરના ડબ્બાવાળાઓ (ટીફિનવાળાઓ)એ એમની સેવા આપવાનું આજે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, મુંબઈમાં તળ વિસ્તારોમાં (કોલાબા ઓફિસ) મોસમનો કુલ વરસાદ 1190 મિ.મી. (આશરે 54 ઈંચ) થયો છે. જ્યારે ઉપનગરોમાં (સાંતાક્રુઝ ઓફિસ) 1362.8 મિ.મી. (આશરે 56 ઈંચ) વરસાદ નોંધાયો છે.

મધ્ય, પૂર્વ અને દક્ષિણ મુંબઈમાં સખત વરસાદ છે. વરલી, દાદર, પરેલ, લાલબાગ વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે.

જે વિસ્તારોમાં બે દિવસથી પાણી ભરાયા છે ત્યાં હવે પાણી દુર્ગંધ મારવા લાગ્યું છે. મહાનગરપાલિકાના કર્મચારીઓ પમ્પ વડે પાણીનો નિકાલ કરવામાં વ્યસ્ત છે.

નાલાસોપારામાં જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. ત્યાં વીજપૂરવઠો પણ ખંડિત થયો છે.

વરસાદનું જોર હજી ચાર-પાંચ દિવસ રહેશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.

મુંબઈ, થાણે, નવી મુંબઈમાં અનેક શાળાઓના સંચાલકોએ સ્વયં નિર્ણય લઈને આજે રજા જાહેર કરી દીધી છે.