નવી મુંબઈમાં પરવાનગી વગર ઝાડ કાપનાર સામે પોલીસ FIR નોંધાશે

મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરના મહાનગરપાલિકા વહીવટીતંત્રએ નક્કી કર્યું છે કે તેની પરવાનગી વગર જે લોકો કોઈ પણ ઝાડ કાપશે તો એ ગુનો ગણાશે અને તેની સામે એફઆઈઆર નોંધાવાશે. તેથી જ્યાં પણ કોઈ ઝાડને કાપવાની જરૂર પડે તો ટ્રી ઓથોરિટી વિભાગની આગોતરી પરવાનગી લેવાની રહેશે. આ વિભાગ નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) કમિશનરના અધ્યક્ષપદ હેઠળ કાર્યરત છે.

હવે પછી નવી મુંબઈમાં અતિ આવશ્યક કારણ હશે તો જ કોઈક ઝાડ તોડવાની પરવાનગી અપાશે.

પરવાનગી વગર ઝાડ કાપવા નહીં કે વૃક્ષ છટણી કરવી નહીં એવી સ્પષ્ટ સૂચના મહાનગરપાલિકાએ બહાર પાડી છે.

પરવાનગી વગરના આવા કૃત્યને પર્યાવરણને હાનિ પહોંચાડવાનો ગુનો ગણવામાં આવશે અને તે બિન-જામીનપાત્ર ગુનો ગણાશે. તેવા કેસમાં મહારાષ્ટ્ર સંપત્તિને નુકસાન પહોંચાડવા પર પ્રતિબંધ કાયદા, 1995ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે.

નવી મુંબઈ મહાનગરપાલિકા મુખ્યાલય

નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અભિજીત બાંગરે આ સંબંધમાં ગુનેગારો સામે પગલાં લેવાનો પોલીસ અધિકારીઓને આદેશ આપવાની નવી મુંબઈના પોલીસ કમિશનરને વિનંતી કરી છે.