મુંબઈમાં વાહનને ટો કરતાં પહેલાં પોલીસે મેગાફોન પર જાહેરાત કરવી પડશે

મુંબઈ – શહેરના ટ્રાફિક પોલીસે એક નવો નિયમ ઘડ્યો છે. તે અનુસાર, હવેથી શહેરમાં નો-પાર્કિંગ એરિયામાંથી કોઈ પણ વાહનને ટો કરતાં (ખેંચી જતા) પહેલાં મેગાફોન પર જાહેરાત કરવી પડશે અને એવું પૂછવાનું રહેશે કે જે તે વાહનનો માલિક આસપાસમાં છે કે નહીં.

વધુમાં, નો-પાર્કિંગ એરિયામાં પણ જો વાહનની અંદર કોઈ વ્યક્તિ બેઠી હોય તો એને ટો કરી શકાશે નહીં, એમ પણ નવા નિયમોમાં સ્પષ્ટપણે જણાવાયું છે.

હાલની પ્રથા અનુસાર, ટ્રાફિક પોલીસકર્મીઓ નો-પાર્કિંગ એરિયામાં પાર્ક કરાયેલા વાહનને તેના માલિક વિશે પૂછપરછ કર્યા વિના એને ટો કરી શકે છે. ત્યારબાદ વાહનના માલિકે સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડે છે અને તે દંડની રકમ તેમજ ટોઈંગ ચાર્જિસ ચૂકવે તે પછી જ પોતાનું વાહન પાછું મેળવી શકે છે.

મલાડમાં માતા-પુત્રને તકલીફ આપનાર ઘટનાને પગલે ટ્રાફિક પોલીસે નવો નિયમ ઘડ્યો

નવા નિયમ અનુસાર, વાહન માલિક, પછી તે પુરુષ હોય કે સ્ત્રી, જો આસપાસમાં જ હોય તો એ દોડીને પોતાના વાહનમાં આવી શકે છે અને દંડની રકમ સ્થળ પર જ ચૂકવીને પોતાનું વાહન ડ્રાઈવ કરી શકસે. એણે ટોઈંગ ચાર્જિસ ચૂકવવાની જરૂર નહીં રહે.

જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતેશ કુમારે ટ્રાફિક જવાનો માટે આ નવા નિયમો ઈસ્યૂ કર્યાં છે.

આ નવો નિયમ હાલમાં જ મલાડ (વેસ્ટ)માં એસ.વી. રોડ પર એક કારને વિવાદાસ્પદ રીતે ટો કરી જવાની ઘટનાને પગલે અમલમાં આવ્યો છે. તે બનાવમાં, કારની અંદર એક મહિલા તેનાં બાળક સાથે બેઠી હતી અને એને ધવરાવી રહી હતી તે છતાં ટ્રાફિક હવાલદાર એની કારને ટો કરી ગયો હતો.

આ ઘટનાને પગલે ઉહાપોહ મચી ગયા બાદ પોલીસ તંત્રે તે હવાલદારને સસ્પેન્ડ કરી દીધો હતો.

હવેથી દરેક વાહનને ટો કરતી વખતે આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટરની રેન્કની ઉપરનો કોઈક અધિકારી મોજૂદ રહેશે. ટોઈંગ વેહિકલની ફરજ બજાવનાર દરેક અધિકારી પાસે ઈ-ચલન સાધન તથા વોકી-ટોકી હશે.