મુંબઈઃ કોરોના-લોકડાઉન સંકટ દરમિયાન લોકોને વધુપડતી રકમના વીજળીના બિલ ફટકારવામાં આવ્યા છે ત્યારે એમને આ મુસીબત સામે રાહતની દાદ માગતી બે જનહિતની અરજીઓમાં હસ્તક્ષેપ કરવાનો મુંબઈ હાઈકોર્ટે આજે ઈનકાર કરી દીધો છે.
હાઈકોર્ટે અરજદારોને આદેશ આપ્યો છે કે આ માટે તેઓ કોઈ બીજા ઉપાય શોધે અને મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યૂલેટરી કમિશન (MERC)ની માર્ગદર્શિકા અનુસાર ફરિયાદ મંચનો સંપર્ક કરે.
કોર્ટે આ ઉપરાંત મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL અથવા મહાવિતરણ) સહિત વીજળી પૂરી પાડતી કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ અરજદારોની ફરિયાદો પર વહેલી તકે ધ્યાન આપે અને જનહિતની અરજીઓનો નિકાલ લાવે.
ન્યાયમૂર્તિઓ પી.બી. વરાળે અને મિલિંદ જાધવની વિભાગીય બેન્ચે વિડિયો કોન્ફરન્સ મારફત જનહિતની અરજીઓ પર સુનાવણી કરી હતી. અરજી મુલુંડ ઉપનગરના નિવાસી વેપારી રવિન્દ્ર દેસાઈએ કરી હતી. એમણે કોર્ટને વિનંતી કરી હતી કે જૂન મહિના માટે આપવામાં આવેલા વીજળીના બિલની રકમ ઘટાડવા વીજપૂરવઠો પૂરો પાડતી કંપનીઓ તથા મહારાષ્ટ્ર સરકારને આદેશ આપે. આ ઉપરાંત કોરોના વાઈરસ રોગચાળાના સંદર્ભમાં વધુપડતા વીજબિલ ટાળવા માટે કોઈક વ્યૂહરચના પણ ઘડી કાઢવામાં આવે એવો પણ કોર્ટ આદેશ આપે એવી પણ અરજદારે વિનંતી કરી હતી.
49 વર્ષીય દેસાઈએ એમની અરજી એડવોકેટ વિશાલ સક્સેના મારફત નોંધાવી હતી અને એમાં તેમણે મહારાષ્ટ્રના ઊર્જા મંત્રાલય, તથા વીજપૂરવઠો પૂરો પાડતી કંપનીઓ જેવી કે મહાવિતરણ, અદાણી ઈલેક્ટ્રિસિટી, ટાટા પાવર તથા અન્યોને પક્ષકાર બનાવ્યા છે.
દેસાઈએ એવો દાવો કર્યો છે કે એમને જૂન મહિના માટેનું વીજબિલ એમના માસિક વપરાશ કરતાં દસ ગણું વધારે આપવામાં આવ્યું છે. એક તો કોરોના-લોકડાઉનને કારણે આર્થિક રીતે ખોટ ગઈ છે અને ત્યાં વીજળી વિતરણ કંપનીએ વધુપડતી રકમનું વીજબિલ ફટકાર્યું છે.
અરજદારે જનહિતની અરજી કરતા પહેલાં ગયા મહિને મહાવિતરણ કંપનીમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
કોર્ટે દેસાઈની અરજી ઉપરાંત સોલાપુરના એક સામાજિક કાર્યકર્તા મહિબૂબ ડી. શેખ (62)એ નોંધાવેલી એક અન્ય જનહિતની અરજી ઉપર પણ સુનાવણી કરી હતી.
રાજ્ય સરકાર વતી હાજર થયેલા એડવોકેટ દીપા ચવ્હાણે કહ્યું કે અમે જનહિતની અરજીઓનો વિરોધ કરીએ છીએ. વીજળી કાયદા અંતર્ગત ગ્રાહકોને ફરિયાદ કરવા માટે MSEDCL અને MERC જેવી યંત્રણા ઉપલબ્ધ છે, અરજદારો એનો સંપર્ક કરી શકે છે. ઘણા કેસોમાં બિલની રકમ કોઈ ભૂલવાળી નથી.
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે બંને જનહિતની અરજીઓમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો હતો અને અરજદારોને આદેશ આપ્યો હતો કે તેઓ ફરિયાદ માટે રચવામાં આવેલી સંસ્થામાં ફરિયાદ નોંધાવે. કોર્ટે અરજદારોને એમ પણ કહ્યું કે જો તમારી ફરિયાદને તાત્કાલિક રીતે સાંભળવામાં ન આવે તો તમે આગળનું કાનૂની પગલું ભરી શકો છો અને અદાલતી મંચો પર જઈ શકો છો.
બંને જનહિતની અરજીઓનો નિકાલ કરતાં કોર્ટે MSEDCL અને MERCને આદેશ આપ્યો હતો કે તેઓ નાગરિકોને ઓનલાઈન ફરિયાદો નોંધાવવા માટે લિન્ક પૂરી પાડે અને લોકડાઉનમાં નાગરિકોને કોઈ પ્રકારની અગવડ પડવી ન જોઈએ.