પુણેઃ ગઈ 11-15 ઓગસ્ટ દરમિયાન અહીં ઓશો ઈન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ ખાતે ‘ઓશો ધ્યાન અને સંગીત મોન્સૂન ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. તે રંગારંગ કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી ધ્યાન, નૃત્ય, સંગીત, મસ્તી, ઉમંગ, ઉત્સવ અને આનંદની વર્ષામાં હજારો ઓશો પ્રેમીઓ સામેલ થયાં હતાં.
દર વર્ષે યોજાતા આ ઓશો ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય ઓશોના ધ્યાન પ્રયોગો, મેડિટેશન થેરપીના પ્રચાર-પ્રસાર કરવા, દેશના કલાકારો, ગાયકો, સંગીતકારો, કવિઓને એક જ મંચ પર એકત્રિત કરી એમની કળાને ઓશો પ્રેમીઓ સુધી પહોંચાડવાનો છે.
કાર્યક્રમનો આરંભ ભારતીય શાસ્ત્રીય ગાયક યુગલ – નિરાલી અને કાર્તિક દ્વારા કરાયો હતો. એમનાં બેન્ડ ‘માટી બાની’ અંતર્ગત એમને સહયોગીઓનો સાથ મળ્યો હતો.
લગભગ બે કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં કબીરના પદોનું પઠન અને ગુજરાતી લોકગીતો રજૂ કરવામાં આવ્યા હતા. તેની પર ઓશો પ્રેમીઓએ નૃત્ય કરવાનો આનંદ માણ્યો હતો.
12 ઓગસ્ટે પ્રખ્યાત વાંસળીવાદક બિક્રમજીત સિંહે એમના મ્યૂઝિક બેન્ડ નાદ બ્રહ્મના સભ્યોની સાથે મનમોહક ધૂન સંભળાવીને ઓશો પ્રેમી શ્રોતાઓને સંગીત અને નૃત્યના રસમાં મગ્ન કરી દીધા હતા.
13 ઓગસ્ટની સાંજે યુવા ગાયક પૃથ્વી ગંધર્વએ સૂફી ગાયકી અંતર્ગત મધૂર ગઝલ અને સૂફી ગીત રજૂ કર્યા હતા.
હાસ્ય કવિ સંમેલનમાં રમૂજી ટૂચકા રજૂ કરવા આવ્યા હતા હાસ્ય-વ્યંગ્યના ચાર ધુરંધર કવિ – સુરેન્દ્ર શર્મા, આશ કરણ અટલ, અરૂણ જેમિની અને ચિરાગ જૈન.
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહ્યા હતા વિખ્યાત ભજન સમ્રાટ અનૂપ જલોટા. એમણે શ્રોતાઓની વચ્ચે બેસીને કવિ સંમેલનનો આનંદ લીધો હતો. એમણે તેમની મનમોહક ગાયકી દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાથોસાથ, પોતાની હાસ્ય કથાઓ દ્વારા સૌને હસાવ્યા પણ હતા.
15 ઓગસ્ટે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું એ પહેલાં આયોજિત મેડિએટર્સ ગોટ ટેલેન્ટ કાર્યક્રમમાં ભારતભરમાંથી આવેલા ઓશો પ્રેમીઓ અને 25 કલાકારોએ ગીત, નૃત્ય, કાવ્ય, પ્રસ્તુત કર્યા હતા. પંજાબી ફિલ્મોના યુવા અભિનેતા ધરમિન્દર બાની એ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પંજાબી ગીત પર નૃત્ય કર્યું હતું.
