મુંબઈ – ટાટા પાવર કંપનીએ મુંબઈમાં અત્યાર સુધીમાં 30 ઈલેક્ટ્રિક વેહિકલ્સ (EV) ચાર્જિંગ સ્ટેશન ઊભાં કર્યા છે. છેલ્લા થોડા સમયથી ઈલેક્ટ્રિક વાહનો માટેની માંગ વધી ગઈ છે. ટાટા પાવરનો ઉદ્દેશ 2021ની સાલ સુધીમાં મુંબઈમાં 200 જેટલાં EV ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાનો છે. સાધારણતમ 30 થી 40 કિલોવૉટ ક્ષમતાવાળા ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાનું અમારું લક્ષ્ય છે એવું ટાટા પાવરે સ્પષ્ટ કર્યું છે.
ઉપરાંત, આવતા વર્ષ દરમિયાન દેશભરમાં સાર્વજનિક ઠેકાણે તેમજ ઘરોમાં ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનોનું નેટવર્ક વિસ્તારવાનો પણ કંપનીનો ઉદ્દેશ્ય છે. એવા લગભગ 700 જેટલાં ઈલેક્ટ્રિકલ વેહિકલ ચાર્જિંગ સ્ટેશનો આખા દેશમાં ઉભા કરવામાં આવશે. જેના માટે વિવિધ સ્થળો માટેની શોધ ચાલુ છે. એમ કંપની તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
મેટ્રો સ્ટેશનો, શોપિંગ મોલ્સ, થિયેટરો તેમજ હાઈવે જેવાં સાર્વજનિક સ્થળોએ ચાર્જિંગ સ્ટેશનો ઉભાં કરવામાં આવશે. તે ઉપરાંત ક્રોમા, વેસ્ટસાઈડ, ટાઈટન જેવી ટાટા પાવરની માલિકીના રિટેલ આઉટલેટ્સ તેમજ તાજ હોટેલ્સની ચેન્સના સ્થળોનો પણ ઈલેક્ટ્રિકલ વેહિકલ ચાર્જિંગ માટે ઉપયોગ કરવામાં આવશે.
ઈલેક્ટ્રિકલ વેહિકલ ચાર્જિંગ સ્ટેશનો બાબતે મેટ્રો ઓથોરિટી સાથે તેમજ મુંબઈ મહાનગરપાલિકા સાથે ‘ટાટા પાવરની વાટાઘાટ ચાલુ છે.
ઈ.વી. ચાર્જિંગ સ્ટેશનો ઉભાં કરવા માટે ટાટા પાવરે હિંદુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ, ઈન્દ્રપ્રસ્થ ગેસ સાથે કરાર પણ કર્યા છે તથા ઘરેલુ ચાર્જિંગ સ્ટેશનો પણ કંપની તરફથી ઉપલબ્ધ કરવામાં આવશે.