કાલથી બેન્કો 3 દિવસ બંધ; ATMમાંથી પૈસા કાઢવામાં પણ તકલીફ પડશે

મુંબઈ – બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકોને ઉપરાછાપરી ત્રણ દિવસ રજા મળવાની છે. બેન્કો 21 ફેબ્રુઆરીના શુક્રવારથી સતત 3 દિવસ બંધ રહેવાની છે. તેથી આજે જ તમારા પૈસાની ગોઠવણ કરી લેજો, નહીંતો સતત ત્રણ દિવસ બેન્કો બંધ રહેવાની હોવાથી તમને અગવડતા પડી શકે છે.

બેન્કો આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે બંધ રહેશે.

ત્યારબાદ શનિવારનો દિવસ મહિનાનો ચોથો શનિવાર હોઈ બેન્કો બંધ રહેશે અને પછી રવિવારની સાપ્તાહિક રજા રહેશે. આમ બેન્કો સોમવારે ફરી ખુલશે.

બેન્કો બંધ રહેવાથી ચેક ક્લીયરન્સનું કામકાજ, NEFT, RTGS, એકાઉન્ટ ખોલવાનું કામકાજ વગેરે સેવાઓ ઠપ રહેશે.

ઉલ્લેખનીય છે કે ગઈ 21 જાન્યુઆરીએ પણ બેન્કકર્મચારીઓએ હડતાળ પાડી હતી અને એ દિવસે તમામ સરકારી બેન્કો બંધ રહી હતી. એ દિવસે બેન્કોના 10 લાખ કર્મચારીઓ હડતાળ પર ગયા હતા.

ત્રણ દિવસ બેન્કો બંધ રહેવાની હોવાથી એટીએમ મશીનોમાંથી પૈસા કાઢવાનું પણ મુશ્કેલ બની જશે, કારણ કે એ મશીનો ખાલી થયા બાદ ફરી ભરવાનું સોમવારથી જ શરૂ થઈ શકશે.

જોકે ઓનલાઈન બેન્કિંગ કામકાજ તમે કરી શકશો. એ રાબેતા મુજબ ચાલુ રહેશે.

આવતીકાલથી શેરબજારો પણ ત્રણ દિવસ બંધ રહેશે.