મુંબઈમાં જીએસટી ભવન ઈમારતમાં ભીષણ આગ લાગી; કોઈ જાનહાનિ નથી

મુંબઈ – શહેરના મધ્ય-પૂર્વમાં આવેલા મઝગાંવ ઉપનગરના મહારાણા પ્રતાપ ચોકસ્થિત જીએસટી ભવન મકાનમાં આજે બપોરે મોટી આગ લાગી હતી. મકાનના ટોચના 9મા અને 8મા માળ પર આગ લાગી હતી. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

આગની જ્વાળાઓમાંથી નીકળતા કાળા ધૂમાડા ઉંચે આકાશ તરફ ચડતાં આસપાસનું વાતાવરણ કાળું મસ થઈ ગયું હતું. કાળા ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા દૂરના મહોલ્લાઓમાંથી પણ જોઈ શકાતા હતા.

ઘણા ફાયર એન્જિન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જવાનોએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

મકાનમાં ફસાઈ ગયેલા ઘણા લોકોને બચાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી.

આગ બપોરે 8મા માળ પર લાગી હતી અને 9મા માળ સુધી ઊંચે ફેલાઈ હતી. 9મા માળે ઘણું નુકસાન થયું હોવાનું મનાય છે.

આગનું કારણ તત્કાળ જાણવા મળ્યું નથી.

આગને બુઝાવવા માટે 13 ફાયર એન્જિન્સ, એક ફાયર ટ્રક, બે ક્વિક રીસ્પોન્સ વેહિકલ્સ તહેનાત કરાયા હતા.

ફાયર જવાનોએ મકાનની બહાર બે ઘૂમતી સીડીઓ મૂકીને મકાનની અંદર ફસાઈ ગયેલા લોકોને ઉગારવાનું શરૂ કર્યું હતું.

મકાનમાં રીપેરિંગ કામકાજ ચાલુ છે.

બપોરે 3.30 વાગ્યે મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું કે મઝગાંવસ્થિત જીએસટી ભવનના ટોચના બે માળ પર લાગેલી આગને કાબૂમાં લાવી દેવામાં આવી છે.