મુંબઈ – એવું લાગે છે કે મહારાષ્ટ્રમાં સરકારની રચના કરવાના મામલે હાલ ચાલી રહેલી રાજકીય મડાગાંઠ હવે ટૂંક સમયમાં જ ઉકેલાઈ જશે, કારણ કે કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે આજે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ તમામ મુદ્દાઓ પરની વાટાઘાટ પૂરી કરી લીધી છે.
મહારાષ્ટ્રમાં સરકારની રચના કરવાના મામલે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સંપૂર્ણ સર્વસંમતિ સધાઈ છે. તમામ વાટાઘાટ અંગે શિવસેનાનાં નેતાઓને જાણ કરી દેવામાં આવી છે.
ચવ્હાણે એમ પણ કહ્યું કે આવતીકાલે મુંબઈમાં અમે અમારા અન્ય સહયોગી પક્ષો સાથે મળીશું. ત્યારબાદ અમે શિવસેના સાથે વાટાઘાટ કરીશું.
ચવ્હાણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે પક્ષોનું જોડાણ બનાવવા અંગેનો આખરી નિર્ણય શુક્રવારે લેવામાં આવશે. અમે જ્યારે સમાન ન્યૂનતમ કાર્યક્રમ (CMP)ની જાહેરાત કરીશું ત્યારે જ સત્તાની વહેંચણીની ફોર્મ્યુલાની પણ જાહેરાત કરવામાં આવશે.
આજે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક મળી હતી. એ બેઠક પક્ષનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ બોલાવી હતી અને મહારાષ્ટ્રમાંની રાજકીય પરિસ્થિતિ અંગે એમાં સમીક્ષા કરવામાં આવી હતી.
ઝી મિડિયાના અહેવાલ મુજબ, કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીના જોડાણવાળી સરકારને ટેકો આપશે.
ઉલ્લેખનીય છે કે, 288-સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ગયા ઓક્ટોબરમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં ભાજપે સૌથી વધારે, 105 સીટ જીતી હતી. એના ભાગીદાર પક્ષ શિવસેનાએ 56 સીટ પર જીત હાંસલ કરી હતી. આ બંને પક્ષે સાથે મળીને ચૂંટણી લડી હતી, પણ મુખ્ય પ્રધાન પદ ભોગવવાના મામલે બંને વચ્ચે ઝઘડો થતાં સરકાર રચી શકાઈ નથી. બંનેના સંબંધ વણસી ગયા છે. શિવસેનાની માગણી છે કે બંને પક્ષ વચ્ચે મુખ્ય પ્રધાન પદ અઢી-અઢી વર્ષ માટે વહેંચી દેવું, પણ ભાજપને એ મંજૂર નથી.
બીજી બાજુ, શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી પાર્ટીએ 54 અને કોંગ્રેસે 44 બેઠક પર વિજય મેળવ્યો છે.
ભાજપ સાથેનો સંબંધ તોડી નાખ્યા બાદ રાજ્યમાં વૈકલ્પિક સરકાર રચવા માટે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ પાર્ટીઓ સાથે વાટાઘાટ શરૂ કરી હતી.
સૂત્રોનો દાવો છે કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે એવી સમજૂતી થઈ છે કે મુખ્ય પ્રધાન પદ શિવસેના અને એનસીપી વચ્ચે અઢી-અઢી વર્ષ માટે વહેંચી દેવામાં આવશે જ્યારે કોંગ્રેસ પાર્ટી નાયબ મુખ્ય પ્રધાન પદ પાંચ વર્ષની પૂરી મુદત માટે પોતાની પાસે રાખશે.
એક અહેવાલ એવો છે કે શિવસેના, કોંગ્રેસ, એનસીપીના નેતાઓ શનિવારે રાજ્યપાલ કોશિયારીને મળશે. એ પહેલાં, આવતીકાલે સાંજે ચાર વાગ્યે કોંગ્રેસ પાર્ટી તેના વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરશે
એ પહેલાં, આવતીકાલે સવારે 10.30 વાગ્યે શિવસેનાનાં તમામ વિધાનસભ્યોની એક બેઠક પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં એમના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે બોલાવી છે.