ફોજદારી કેસો વિશેની માહિતી છુપાડવાનો આરોપઃ મેધા પાટકરનો પાસપોર્ટ કદાચ રદ થઈ શકે છે

મુંબઈ – મુંબઈ રિજનલ પાસપોર્ટ ઓફિસ (આરપીઓ)એ નર્મદા બચાઓ આંદોલનના કાર્યકર્તા મેધા પાટકર વિરુદ્ધ પેન્ડિંગ પડેલા કેસો અંગે મધ્ય પ્રદેશના પોલીસ વડા પાસેથી વિગતો મગાવી છે.

મેધાને આરપીઓ તરફથી એવી કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે કે તમે અરજી કરતી વખતે તમારી સામે પેન્ડિંગ પડેલા કેસો વિશેની જાણકારી આપી નહોતી એટલે તમારો પાસપોર્ટ શા માટે જપ્ત કરવો ન જોઈએ એ વિશે ખુલાસો કરો.

RPO મુંબઈએ એવી નોંધ લીધી છે કે મેધા પાટકર સામે 9 ક્રિમિનલ કેસો નોંધવામાં આવ્યા છે. આમાંના ત્રણ કેસ મધ્ય પ્રદેશના બરવાનીમાં, એક અલિરાજપૂરમાં અને પાંચ ખંડવા જિલ્લામાં નોંધવામાં આવ્યા છે. આ કેસોમાં હજી કોર્ટનો ચુકાદો આવ્યો નથી.

મેધાએ 2017ની 30 માર્ચે પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ એમાં તેમણે પોતાની સામે નોંધવામાં આવેલા ગુનાઈત કેસો અંગેની માહિતી પૂરી પાડી નહોતી. તે છતાં એમણે પાસપોર્ટ મેળવ્યો હતો અને હવે એ પાસપોર્ટ રદ કરવાની કાર્યવાહી RPO મુંબઈએ શરૂ કરી છે.

મેધાનો પાસપોર્ટ રદ કરવો જોઈએ એવી ફરિયાદ એક પત્રકારે ગયા જૂન મહિનામાં કર્યા બાદ RPO મુંબઈએ કાર્યવાહી શરૂ્ કરી છે.

મુંબઈની પાસપોર્ટ ઓફિસે કારણદર્શક નોટિસનો 10 દિવસમાં જવાબ આપવાનું મેધા પાટકરને જણાવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]