મુંબઈઃ આગામી 50 વર્ષમાં કે સંભવત તે પૂર્વે ભારતનું અર્થતંત્ર વધીને 100 લાખ કરોડ યુએસ ડોલરનું થઈ જશે, જો વિશ્વ 250 લાખ કરોડ ડોલરની સંપત્તિનું સર્જન કરે છે તો વિશ્વની વસતિમાં આપણો હિસ્સો 18 ટકા છે એ જોતાં આપણે કુલ સંપત્તિના આશરે 30 ટકા સંપત્તિનું સર્જન કરીશું, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર આશિષકુમાર ચૌહાણે બોમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સોસાયટી (બીસીએએસ)ના રિઈમેજિન 2024 ઈવેન્ટમાં જણાવ્યું હતું. અત્યારે દેશમાં 8.5 કરોડથી અધિક રોકાણકારો છે, જેમાંથી બે કરોડથી અધિક મહિલાઓ છે. પાંચ કરોડથી અધિક પરિવારો શેરબજારમાં સીધું રોકાણ કરે છે, જે દેશનાં કુટુંબોના 17-18 ટકા છે.
સરકારી અધિકારીઓ અને પ્રધાનોએ એવો અંદાજ મૂક્યો છે કે ભારત 2024ની ચૂંટણીઓ પૂર્વે ચાર ટ્રિલિયન ડોલર (ચાર લાખ કરોડ ડોલર)ની ઈકોનોમી બની જશે. 2023ના અંતે નેશનલ સ્ટોક એક્સચેન્જનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 4.34 ટ્રિલિયન ડોલર થઈ ગયું હતું, એમ યુબીએસ રિપોર્ટમાં જણાવાયું હતું. 2022માં ભારતની સંપત્તિ 15.4 ટ્રિલિયન યુએસ ડોલર અંદાજવામાં આવી હતી.
દર ત્રણ રૂપિયામાંથી એક રૂપિયો માર્કેટમાંથી
મૂડીબજારો દેશના સંપત્તિ સર્જનમાં કઈ રીતે સહાય કરે છે એ સમજાવતાં તેમણે ઉમર્યુ હતું કે અત્યારે દેશની પ્રત્યેક ત્રણ રૂપિયાની સંપત્તિમાં એક રૂપિયો શેરબજારમાંથી આવે છે. શેરબજારમાં લોકોના રહેલા વિશ્વાસમાં પ્રચંડ વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં મૂડીબજારને કારણે લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. સ્ટોક માર્કેટનો હેતુ કોઈની કંપનીના નફામાં હિસ્સેદાર બનાવવાનો છે, એમ તેમણે જણાવ્યું હતું.
2023માં એનએસઈમાં રોકાણકારોની સંખ્યા સપ્ટેમ્બર, 2023 અંતે પૂરા થયેલા માત્ર આઠ મહિનામાં સાત કરોડથી વધીને આઠ કરોડ અને વર્ષના અંતે 8.5 કરોડની થઈ ગઈ હતી. દેશના પીનકોડ્સના 99.8 ટકા વિસ્તારને રોકાણકારોના રજિસ્ટ્રેશન દ્વારા આવરી લેવાયા છે. છેલ્લા એક વર્ષમાં ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં ઓછામાં ઓછું એક વાર ટ્રેડિંગ કર્યું હોય એવા રોકાણકારોની સંખ્યા વાર્ષિક ધોરણે 31 ટકા વધીને 83.6 લાખ થઈ છે. કેશ સેગમેન્ટમાં જોકે રોકાણકારોની સંખ્યા વાર્ષિક ધોરણે 0.4 ટકા ઘટીને 2.67 કરોડ થઈ છે.