‘મુંબઈ પોલીસ મારો પીછો કરે છે’: કોંગ્રેસ શહેર એકમના પ્રમુખ નિરુપમનો આરોપ

મુંબઈ – વિપક્ષ કોંગ્રેસના મુંબઈ એકમના પ્રમુખ સંજય નિરુપમે આજે એવો આરોપ મૂક્યો છે કે મુંબઈ પોલીસ કોઈ પણ કારણ વગર પોતાનો પીછો કરે છે.

નિરુપમનું કહેવું છે કે અંધેરી સ્થિત એમના નિવાસસ્થાનની બહાર આજે પરોઢિયેથી જ પોલીસોનો મોટો કાફલો જમા થઈ ગયો હતો.

‘હું જેવો મારી ઓફિસે જવા બહાર નીકળ્યો કે અનેક પોલીસ વાહનો મારી પાછળ નીકળી પડ્યા હતા. મેં જ્યારે પોલીસોને આનું કારણ પૂછ્યું તો કહ્યું કે ઉપરથી આદેશ આવ્યો છે,’ એમ નિરુપમે કહ્યું.

‘કોંગ્રેસના બીજા અનેક કાર્યકર્તાઓને પણ આવો જ અનુભવ થયો હતો. જોકે અમારી પાર્ટીએ આજે મુંબઈની મુલાકાતે આવી રહેલા ભાજપના પ્રમુખ અમિત શાહ વિરુદ્ધ દેખાવો કરવાનો કોઈ કાર્યક્રમ ઘડ્યો નથી,’ એમ નિરુપમે વધુમાં કહ્યું.

‘આ બીજું કંઈ નહીં, પણ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ પોલીસ અને સરકારી યંત્રણાનો દુરુપયોગ કરીને નાગરિકોની ગુપ્તતાનું ઉલ્લંઘન જ છે. ભાજપના નેતાઓ વિરોધપક્ષથી ડરે છે,’ એમ નિરુપમે વધુમાં કહ્યું.