મુંબઈ – રેલવે પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું છે કે મુંબઈમાં ઉપનગરીય નેટવર્ક પર રેલવેની અનેક માળખાકીય યોજનાઓ હાથ ધરવા માટે રૂ. 65,000 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
ગોયલે વધુમાં કહ્યું કે આ વર્ષના કેન્દ્રીય બજેટમાં જ મુંબઈની રેલવે યોજનાઓ માટે મૂડીરોકાણનું સૂચન કરવામાં આવ્યું હતું.
આ યોજનાઓમાં, વ્યસ્ત રહેતા નેટવર્ક પર હાલની સુવિધાઓને અપગ્રેડ કરવા તેમજ નવા બાંધકામો કરવાનો પણ સમાવેશ થાય છે.
રેલવેની માળખાકીય યોજનાઓને રાજ્ય સરકાર સક્રિય રીતે ટેકો આપી રહી છે, કારણ કે રેલવે સેવા મુંબઈ મહાનગરની જીવાદોરી સમાન છે.
મુંબઈમાં તેમજ આસપાસના વિસ્તારોમાં ઉપનગરીય રેલવે સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવશે. જે ઝડપ સાથે કામકાજ હાથ ધરવામાં આવ્યું છે અને આગળ વધી રહ્યું છે તે જોતાં આવતા ચાર કે સાડા ચાર વર્ષોમાં મુંબઈ, નવી મુંબઈના ઉપનગરીય રેલવે નેટવર્કમાં જાદુઈ પરિવર્તન આવશે.
ઉલ્લેખનીય છે કે, રવિવારે જ ગોયલ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મધ્ય રેલવેના હાર્બર રૂટ પર 27 કિ.મી. લાંબા નેરુલ-બેલાપુર-ઉરણ કોરિડોરના પ્રથમ ચરણમાં નેરુલ-સીવૂડ્સ દારાવે-બેલાપુર-ખારકોપર ઉપનગરીય રેલવે કોરિડોરનું ઉદઘાટન કર્યું હતું અને આજથી એ રેલવે સેવા જાહેર જનતા માટે શરૂ થઈ ગઈ છે.