મુંબઈમાં મેટ્રો સ્ટેશન ખાતે બોમ્બની ખોટી બૂમ પાડી; પોલીસે બે જણની ધરપકડ કરી

મુંબઈ – અહીંના અંધેરી મેટ્રો સ્ટેશન ખાતે મસ્તીને ખાતર ‘બોમ્બ’, ‘બોમ્બ’ની બૂમો પાડનાર બે જણને પોલીસે પકડીને જેલમાં પૂરી દીધા હતા. આ ઘટના બેસતા વર્ષના દિવસે બની હતી.

પકડાયેલા બંને જણ સુથારીનું કામ કરનારા છે.

એકનું નામ યોગેશ ચૌરસીયા (41) છે અને બીજાનું નામ છબીનદાસ વિશ્વકર્મા (56) છે.

બંનેએ બોમ્બની બૂમો પાડતાં મેટ્રોના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. એમણે તરત જ ઘાટકોપર તરફ જતી ટ્રેનમાંથી તમામ પ્રવાસીઓને નીચે ઉતાર્યા હતા અને આખી ટ્રેનમાં ચેકિંગ કર્યું હતું.

બંને સુથાર દારૂમાં નશામાં હોવાનું બાદમાં માલુમ પડ્યું હતું. લોકોને ગભરાવવા બદલ પોલીસે બંનેની ધરપકડ કરી છે.

(પ્રતિકાત્મક તસવીર)

બંને આરોપી અંધેરી ઈસ્ટના ચાંદીવલી વિસ્તારના રહેવાસી છે.

પોલીસે બંને જણની દિલ્હી મેટ્રો કાયદાની કલમ 67 હેઠળ ધરપકડ કરી છે. પોલીસે બંનેને એક સ્થાનિક કોર્ટમાં હાજર કર્યા હતા, કોર્ટે બંનેને જામીન પર છોડ્યા છે.

પોલીસે કહ્યું કે, બંને જણે અંધેરી મેટ્રો સ્ટેશન ખાતે એક ટ્રેનમાંથી ઉતરતી વખતે એકબીજા સાથે બોમ્બ વિશે વાતચીત કરી હતી. ત્યારબાદ પ્લેટફોર્મ પર બંને જણે ‘બોમ્બ, બોમ્બ’ની બૂમો પાડી હતી. એને કારણે બીજા બધા પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. સ્ટેશન પર ફરજ બજાવતો મેટ્રોનો સ્ટાફ તરત જ ત્યાં દોડી ગયો હતો. ટ્રેનમાં તથા આખા પ્લેટફોર્મ પર અંધાધૂંધી મચી ગઈ હતી. સ્ટાફે ત્યારબાદ દરેક પ્રવાસીને ટ્રેનમાંથી ઉતરી જવા કહ્યું હતું અને એક સ્નિફર ડોગની મદદથી ટ્રેનમાં તથા આખા પ્લેટફોર્મ પર ચેકિંગ કર્યું હતું.

સ્ટાફે બંને સુથારને પકડી રાખ્યા હતા.

લગભગ 15 મિનિટના ચેકિંગમાં એમને કંઈ વાંધાજનક ચીજવસ્તુ મળી નહોતી. અને સ્ટાફે પ્રવાસીઓને કહ્યું હતું કે તમે હવે ટ્રેનમાં ચડી શકો છો અને ટ્રેનને આગળ જવાની પરવાનગી આપી હતી.

પોલીસે પૂછપરછ કરતાં બંને સુથારે કહ્યું હતું કે તેઓ વર્સોવા સ્ટેશનેથી ચડ્યા હતા અને મસ્તી ખાતર બોમ્બની બૂમો પાડી હતી.

પોલીસને એ પણ માલુમ પડ્યું હતું કે બંને જણ દારૂના નશામાં હતા.