ઉદ્ધવ ઠાકરે સાથે મુંબઈના ડબ્બાવાળાઓ પણ અયોધ્યા જશે

મુંબઈ – ઉત્તર પ્રદેશના યાત્રાધામ અયોધ્યામાં રામ મંદિર બાંધવાની માગણી સાથે શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આવતી 25 નવેમ્બરે અયોધ્યામાં કૂચ કરી જવાના છે. એ કૂચને ‘ચલો અયોધ્યા’ નામ આપવામાં આવ્યું છે.

એમની સાથે મુંબઈના જાણીતા થયેલા ડબ્બાવાળાઓ (ટિફિનવાળાઓ) પણ જોડાવાના છે. ડબ્બાવાળાઓ અનેક દાયકાઓથી મહાનગરમાં લોકોને નિયમિત રીતે ટિફિનસેવા પૂરી પાડે છે.

મુંબઈ ડબ્બાવાલા એસોસિએશનના પ્રમુખ સુભાષ તળેકરે કહ્યું કે અમે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને જણાવ્યું છે કે અયોધ્યા કૂચમાં એમની સાથે જોડાવાની ડબ્બાવાળાઓની ઈચ્છા છે.

તળેકરે કહ્યું કે ડબ્બાવાળાઓ અયોધ્યા જશે તે છતાં મુંબઈમાં ડબ્બાવાળાઓની નિયમિત સેવામાં કોઈ અસર નહીં પડે.

શિવસેનાની ચલો અયોધ્યા કૂચમાં જોડાવા માટે ડબ્બાવાળાઓના સંગઠને છ સભ્યોની પસંદગી કરી છે.

ડબ્બાવાળાઓનું કહેવું છે કે કેન્દ્રમાં તથા ઉત્તર પ્રદેશ, બંનેમાં ભાજપની સરકાર હોવા છતાં અયોધ્યામાં રામ મંદિર બાંધવામાં પાર્ટી નિષ્ફળ ગઈ છે. પાર્ટીએ 2014ની લોકસભા ચૂંટણી વખતે તેના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિર બાંધવાનું વચન આપ્યું હતું.

25 નવેમ્બરે પોતે અયોધ્યા કૂચ કરીને જશે એવી ઉદ્ધવ ઠાકરેએ ગયા દશેરા વખતે મુંબઈના શિવાજી પાર્ક મેદાન ખાતે શિવસેનાના વાર્ષિક સંમેલન વખતે જાહેરાત કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]