મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું કે રાજ્યમાં બધાં ધાર્મિક સ્થળ સોમવારથી ભક્તો માટે ફરી એક વાર ખૂલશે. માસ્ક પહેરવો ફરજિયાત રહેશે. ધાર્મિક સ્થળ પર બધા કોરોના વાઇરસના માપદંડોનું પાલન કરવાનું રહેશે. જોકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગયા રવિવારે કહ્યું હતું કે દિવાળી પછી પ્રદેશમાં સ્કૂલો અને ધાર્મિક સ્થળો ખોલવામાં આવે એવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના પ્રદૂષણને કારણે કોરોના વાઇરસનો પ્રભાવ વધે એવી શક્યતા છે. તેમણે આ દિવાળીએ લોકોને ફટાકકડા ના ફોડવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે લોકોએ સતર્ક રહેવું જોઈએ, જેથી ફરીથી લોકડાઉનની જરૂર ના પડે.
મહારાષ્ટ્ર સરકારે આ પહેલાં બધાં થિયેટર, સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સને 50 ટકા ક્ષમતાની સાથે ખોલવાની મંજૂરી આપી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા મહિનાથી મંદિર ખોલવાને મામલે રાજકારણ રમાઈ રહ્યું છે. એટલો સુધી કે મંદિર ખોલવા માટે પૂજારીઓએ કેટલીય વાર આંદોલન કર્યું હતું. તેમનું કહેવું હતું કો જ્યારે બધું ખોલવામાં આવે છે તો મંદિરો ખોલવામાં શું મુશ્કેલીઓ છે. લાંબા સમયથી મંદિરો બંધ રહેવાથી અમારી સામે આજીવિકાનું સંકટ છે. મહારાષ્ટ્રમાં ભાજપે પૂજારીઓના આંદોલનને ટેકો આપ્યો હતો. ભૂતપૂર્વ દેવેન્દ્ર ફડણનવીસનાં પત્ની અમૃતા ફડનવીસે મંદિર ખોલવાને લઈને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું.