માથેરાનની ટોય-ટ્રેન વધુ 4 ફેરી કરશે

મુંબઈઃ અહીંથી આશરે 100 કિ.મી. દૂર અને પડોશના રાયગડ જિલ્લામાં આવેલા હિલ સ્ટેશન માથેરાનની ટોય-ટ્રેન પર્યટકો માટે આકર્ષણનું મોટું કેન્દ્ર છે. આ નેરો ગેજ લાઈન પરની ટ્રેન સેવા મધ્ય રેલવે દ્વારા સંચાલિત છે. ટ્રેન આમ તો જમીન પરના નેરલ સ્ટેશનેથી પહાડ પર આવેલા માથેરાન સુધી જાય છે. પરંતુ મધ્ય રેલવેએ આ મહિનાની શરૂઆતમાં માથેરાન અને અમન લોજ વચ્ચે આ શટલ ટ્રેન સેવા શરૂ કરી છે. પર્યટકોના વધારાના ધસારાને પહોંચી વળવા માટે આ ટ્રેન સપ્તાહાંતના દિવસોએ અમન લોજ-માથેરાન વચ્ચે વધારાની ચાર ફેરી કરશે.

કોરોના વાઈરસ રોગચાળાના નિયંત્રણોને કારણે સાત મહિના પછી આ રમકડાં-ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવી છે.

માથેરાનથી આ ટ્રેન સવારે 10.20 વાગ્યે અને બપોરે 3.10 વાગ્યે ઉપડશે જ્યારે અમન લોજથી સવારે 10.45 વાગ્યે અને બપોરે 3.35 વાગ્યે ઉપડશે.  અમન લોજ સ્ટેશન દસ્તુરી નાકા પાસે આવેલું છે અને ત્યાંથી માથેરાન સુધી વાહનોને જવા દેવામાં આવતા નથી. 1907ની સાલમાં શરૂ કરાયેલી નેરલ-માથેરાન ટ્રેન યૂનેસ્કો સંસ્થાની ‘વિશ્વના હેરિટેજ સ્થળો’ની યાદીમાં સામેલ છે.