રાજ ઠાકરેના જન્મદિવસે મનસે પાર્ટી આપશે લોકોને પેટ્રોલ-ડિઝલમાં 4 રૂપિયાની છૂટ

મુંબઈ – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેનો આવતી 14 જૂને જન્મદિવસ છે. એ દિવસે રાજ પોતાનો 50મો જન્મદિવસ ઉજવશે.

એમના જન્મદિવસને એમની પાર્ટી એક યાદગાર અવસર બનાવવાની છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ એ દિવસે મુંબઈમાં 36 પેટ્રોલ પમ્પ ખાતે ટુ-વ્હીલર ચાલકોને પેટ્રોલ અને ડિઝલ પર 4 રૂપિયાની છૂટ આપશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજમાં પેટ્રોલ અને ડિઝલના પ્રતિ લીટર ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે. લોકોમાં વ્યાપકપણે નારાજગી પ્રવર્તે છે. એનો લાભ ઉઠાવવા માટે મનસે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ સરકારની વિરુદ્ધમાં એક અનોખું આંદોલન કરવાનો નિર્ણય લીધો છે.

એમણે પાર્ટીના વડા રાજ ઠાકરેના જન્મદિવસને અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે અને દ્વીચક્રી વાહનચાલકોને 36 પેટ્રોલ પમ્પ્સ ખાતે પેટ્રોલ, ડિઝલમાં ડિસ્કાઉન્ટ આપશે.