પુણેમાં ગેરકાયદેસર નાઈટલાઈફની મજા કરાવતી હોટેલ્સ, પબ્સ પર પોલીસના દરોડા

પુણે – ક્રાઈમ બ્રાન્ચ અને આર્થિક ગુના વિરોધી શાખાના અધિકારીઓએ શનિ-રવિવારની મધરાતે પુણે શહેરમાં ફાઈવ સ્ટાર હોટેલ સહિત 10-12 જાણીતી હોટેલ્સ, પબ્સ અને હૂક્કા પાર્લર્સ પર દરોડા પાડ્યા હતા.

પોલીસે મુંબઈ પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ મેક્લારેન્સ પબ, ડેઈલી ઓલ ડે, બાર સ્ટોક એક્સચેન્જ, વાયકી, નાઈટ રાઈડર, નાઈટ સ્કાઈ, વેસ્ટીન, પેન્ટહાઉસ, હાર્ડ રોક, ઓકવૂડ લાઉન્જ, બ્લૂ શેક, માયામી, જેડબલ્યુ મેરિયટ જેવી હોટેલ્સ અને પબ્સ પર દરોડા પાડ્યા હતા જે કાર્યવાહી આજે સવારે 4 વાગ્યા સુધી ચાલુ હતી.

અહેવાલો અનુસાર, દરોડા પડાયા ત્યારે આ હોટેલ્સ અને પબ્સ, હૂક્કા પાર્લર્સમાં 6000થી 7000 યુવાન છોકરા, છોકરીઓ હાજર હતા.

આ ઓપરેશન એડિશનલ પોલીસ કમિશનર પ્રદિપ દેશપાંડેના નિરીક્ષણ હેઠળ પાડવામાં આવ્યા હતા. દરોડા પાડનાર પોલીસ ટૂકડીમાં 50થી વધુ અધિકારીઓ અને જવાનો સામેલ હતા.

મોટા ભાગની હોટેલ્સ અને પબ કોરેગાંવ પાર્ક અને મુંઢવા વિસ્તારમાં આવેલી છે.

દરોડા પાડવાની કાર્યવાહીની પોલીસે કોઈને પણ ગંધ આવવા દીધી નહોતી અને પોલીસો રાતે લગભગ 1 વાગ્યાના સુમારે એકસાથે બધી હોટેલો પર ત્રાટક્યા હતા.

મધરાત બાદ અનેક હોટેલ્સ, પબ્સ ગેરકાયદેસર રીતે શરૂ કરવામાં આવતા હોવાની અને તેને કારણે સ્થાનિક રહેવાસીઓને ત્રાસ થતો હોવાની પોલીસને ફરિયાદો મળી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]