પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દી નિમિત્તે ‘ઝરૂખો’માં કાર્યક્રમ “આનંદનો રસ ચાખ”

મુંબઈઃ પરમ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજનું આ જન્મશતાબ્દી વર્ષ છે. પ્રમુખ સ્વામીને એમની આધ્યાત્મિકતા તથા એમનાં સામાજિક કાર્યો માટે સમગ્ર વિશ્વ વંદન કરે છે. એમની ચેતના આપણી આસપાસ અનુભવાતી હોય છે. એમની જન્મશતાબ્દી નિમિત્તે વિવિધ શહેરોમાં અનેક કાર્યક્રમો, મહોત્સવ યોજાઈ રહ્યા છે.

આ મહોત્સવના અનુસંધાનમાં બોરીવલી, મુંબઈના સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના ‘ઝરૂખો’ કાર્યક્રમમાં જાણીતા હાસ્ય કલાકાર, કવિ, અભિનેતા નીતિન દેસાઈ “આનંદનો રસ ચાખ” વિષય હેઠળ પ્રમુખ સ્વામીએ વહેંચેલા સાત્વિક આનંદની દ્રશ્ય-શ્રાવ્ય રજૂઆત કરશે. ‘અંતરની પ્રસન્નતા એ જ મોક્ષ છે’ એવું પ્રમુખ સ્વામી કહેતા. નીતિન દેસાઈ આ શ્રેણીમાં ૬૦ ઉપરાંત કાર્યક્રમો વિવિધ શહેરોમાં કરી ચૂક્યા છે.

સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ ૭ જાન્યુઆરી શનિવાર સાંજે ૭.૧૫ વાગે, સાઈબાબા મંદિરના બીજા માળે, સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે અને ટ્રસ્ટીગણ સર્વને જાહેર નિમંત્રણ પાઠવે છે.