મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે અહીં બાન્દ્રા (ઈસ્ટ) ઉપનગરમાં આવેલા બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સના MMRDA ગ્રાઉન્ડ ખાતે વિશાળ ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. આ ચૂંટણી સભા શાસક ભાગીદાર પક્ષો – ભાજપ અને શિવસેનાએ સંયુક્ત રીતે યોજી હતી.
મોદીને સાંભળવા માટે ગ્રાઉન્ડ ખાતે પ્રચંડ જનમેદની જોવા મળી હતી. મોદીએ જનમેદનીને ‘કસં કાય મુંબઈ? સર્વ ઠીક આહે ના?’ સાદ દઈને કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે મારા નાના ભાઈ છે.’
મોદીએ કહ્યું કે આજે સવારે એમણે વારાણસીમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું અને એ વખતે ઉદ્ધવ ઠાકરે હાજર રહ્યા હતા એ બદલ સભામાં એમણે તેમનો આભાર માન્યો હતો.
મોદી સભામાં ભાષણ કરવા માટે ઊભા થયા એ સાથે જ જનમેદનીમાંથી ‘મોદી-મોદી’ના ગગનભેદી નારા શરૂ થયા હતા.
ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે મોદીજી ચિંતા કરશો નહીં, આ મુંબઈ ફરી વાર તમારી પડખે ઊભું રહેશે.
ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું અમે બંને પાર્ટી સમાન વિચારધારાને કારણે એકત્ર છીએ. કશ્મીર હિન્દુસ્તાનનો અવિભાજ્ય હિસ્સો છે અને કોઈ પણ સંજોગોમાં 370મી કલમ દૂર કરીને જ રહીશું.
ચૂંટણી સભામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ભાષણ કર્યું હતું.
ચૂંટણી સભામાં હજારો લોકોની મેદનીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની હાજરીએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
ચૂંટણી સભાનું સંચાલન મુંબઈ ભાજપ એકમના પ્રમુખ આશિષ શેલારે કર્યું હતું.