એર ઈન્ડિયાનું સર્વર ઠપ થયું; દુનિયાભરનાં એરપોર્ટ્સ પર એર ઈન્ડિયાનાં પ્રવાસીઓ અટવાયાં

મુંબઈ – ભારત સરકાર હસ્તકની એરલાઈન એર ઈન્ડિયાનું સર્વર ગત રાત 3.30 વાગ્યાથી ડાઉન થતાં દેશભરમાં તેમજ વિદેશમાં પણ એર ઈન્ડિયાની વિમાનસેવાને માઠી અસર પહોંચી હતી. ત્યારબાદ સવારે 9 વાગ્યે એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અશ્વનિ લોહાનીએ જાહેરાત કરી હતી કે સર્વર ઠીક થઈ ગયું છે. એરપોર્ટ્સ પર પરિસ્થિતિ રાબેતા મુજબની થતાં થોડોક સમય લાગશે.

એને કારણે દુનિયાભરના એરપોર્ટ્સ પર એર ઈન્ડિયાનાં પ્રવાસીઓનું ચેક-ઈન અટકી ગયું છે અને તમામ એરપોર્ટ્સ પર પ્રવાસીઓ અટવાઈ ગયાં છે.

એર ઈન્ડિયાનું મેઈન સર્વર ડાઉન થયું છે. એને કારણે એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ મોડી પડી છે. મુંંબઈ અને દિલ્હીના એરપોર્ટ્સ પર પ્રવાસીઓની ભીડ થઈ છે. ઘણા લોકોએ ફ્લાઈટ્સ મોડી પડ્યાની ફરિયાદ કરી છે અને ભરચક એરપોર્ટની તસવીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યાં છે.

એર ઈન્ડિયાનાં ચેરમેન અશ્વનિ લોહાનીએ કહ્યું છે કે એર ઈન્ડિયાની પેસેન્જર સિસ્ટમ ડાઉન છે. કોઈક ટેકનિકલ ખામી ઊભી થઈ છે. એ ટૂંક સમયમાં જ ઉકેલાઈ જશે.

ગાયત્રી રઘુરામ નામનાં એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે મુંબઈ એરપોર્ટ પર ઓછામાં ઓછા 2000 લોકો એમની ફ્લાઈટ્સની રાહ જોઈ રહ્યાં છે, કારણ કે એર ઈન્ડિયાનું SITA સોફ્ટવેર સમગ્ર ભારતમાં ઠપ થઈ ગયું છે.