મુંબઈ – મહાનગરમાં પસંદગીના સ્થળો ખાતે રેસ્ટોરાં અને દુકાનોને ચોવીસ કલાક ખુલ્લી રાખવાની પરવાનગી આપવા માટે મહાનગરપાલિકા (BMC) વહીવટીતંત્ર તથા પોલીસ તંત્ર સહમત થયા છે. ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા (મ્યુનિસિપલ કમિશનર) પ્રવીણ પરદેશી, શહેરના પોલીસ કમિશનર સંજય બર્વે તથા સંબંધિત મહાપાલિકા અને પોલીસ અધિકારીઓની એક સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઉપર મુજબની સહમતિ સધાઈ હતી.
મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર તથા વરિષ્ઠ અધિકારીઓ શહેરમાં ચોક્કસ સ્થળોએ દુકાનો અને રેસ્ટોરાં ચોવીસ કલાક ખુલ્લી રાખવા દેવાની નીતિનો અમલ કરવા અંગે સૈદ્ધાંતિક રીતે સહમત થયા હતા.
આ બેઠક બાદ પરદેશી, બર્વે સહ્યાદ્રી ગેસ્ટહાઉસ ખાતે ગયા હતા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને એમની સહમતિ વિશેની જાણ કરી હતી. હવે આ નીતિ અંગેનો આખરી નિર્ણય ઉદ્ધવ ઠાકરે લેશે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ પ્રવૃત્તિઓથી ધમધમતું શહેર છે અને અહીં ચોવીસ કલાક શોપિંગ અને ખાણી-પીણીની સુવિધા મળવી જોઈએ એવી માગણી શિવસેના પાર્ટી 2013ની સાલથી કરી રહી છે. શિવસેના BMCમાં તો વર્ષોથી શાસન કરી રહી છે અને હવે વિધાનસભામાં પણ એની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડીની ગઠબંધન સરકારનું રાજ આવી ગયું છે.
મુંબઈમાં રેસ્ટોરાં અને દુકાનો ચોવીસ કલાક ખુલ્લી રાખવાની પરવાનગી હોવી જોઈએ એવી માગણીને શિવસેનાનાં વિધાનસભ્ય અને યુવા સેનાનાં પ્રમુખ આદિત્ય ઠાકરેએ સમર્થન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ માગણી કરી ચૂક્યા છે કે મુંબઈમાં પસંદગીના સ્થળોએ આખી રાત દુકાનો ખુલ્લી રાખવા દેવી જોઈએ.
ગયા મંગળવારે કોંગ્રેસ પાર્ટીએ પણ મુંબઈના મ્યુનિસિપલ કમિશનર પાસે આ જ પ્રકારની માગણી રજૂ કરી હતી.