નવી મુંબઈમાં પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી મહોત્સવની ઉજવણી

નવી મુંબઈ – ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર તથા વૈશ્વિક પ્રદાન કરનાર મહાન સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ આજે અહીંના નેરુલ સ્થિત ડી.વાય. પાટીલ સ્ટેડિયમ ખાતે ઉજવવામાં આવ્યો છે.

પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી મહોત્સવની ઉજવણીની વિશેષતા

  • ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાયેલા આ મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 60 હજારથી વધારે ભક્તો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિશ્વભરમાંથી 750 જેટલા સંતો-મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના અનુભવો જણાવ્યા હતા.
  • આ મહોત્સવનું ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું

  • 35 જેટલા વિભાગોમાં 10 હજારથી વધારે સ્વયંસેવકોએ સેવા પૂરી પાડી હતી
  • બીએપીએસ સંસ્થાના 3000થી વધારે બાળ-યુવા કલાકારોએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો

  • તાલીમબદ્ધ સ્વયંસેવકો દ્વારા ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગની સેવા પૂરી પાડી હતી
  • સમગ્ર પરિસરમાં અને સર્વિસ રોડ પર સ્વયંસેવકોએ સ્વચ્છતા સેવા બજાવી હતી

  • હજારો મહિલા સ્વયંસેવિકાઓએ રસોડા તથા અન્ય વિભાગોમાં સેવા બજાવી હતી
  • એક સાથે 60 હજાર દીવડા પ્રગટાવાતાં પાટીલ સ્ટેડિયમ દીપી ઉઠ્યું હતું

  • કાર્યક્રમના અંતે બોચાસણનિવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામીએ કહ્યું હતું કે ‘બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું’ તે પ્રમુખસ્વામી મહારાજનો જીવનમંત્ર હતો.

સાંજે 5.30 વાગ્યે ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ અને સંતો-યુવકોના કલાવૃંદની કીર્તન-ભક્તિથી કાર્યક્રમનો શુભારંભ થયો. સતત ત્રણ કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વના ઉત્કર્ષ માટે આપેલા યોગદાનને વિશિષ્ટ રીતે પ્રસ્‍તુત કરવામાં આવ્યું હતું. વ્યક્તિ, પરિવાર અને
સમાજની સળગતી સમસ્યાઓ અને વૈશ્વિક પડકારોના સમાધાન આપનારા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના
સ્પર્શથી અનેક લોકોનું આમૂલ જીવન-પરિવર્તન થયું હતું. પ્રમુખસ્વામી મહારાજના આ હૃદયસ્પર્શી પ્રભાવની પ્રેરક રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૩૦૦૦ કરતાં વધારે બાળકો-યુવકોએ પ્રમુખસ્વામી મહારાજના જીવન-સંદેશને વણી લેતા નૃત્ય-સંવાદની વિશિષ્ટ પ્રસ્‍તુતિ કરી હતી. સાથે સાથે સભાજનોને વીડિયો શો અને વરિષ્ઠ સંતો-મહાનુભાવોનાં મનનીય વક્તવ્યોનો લાભ પ્રાપ્ત થયો હતો.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સ્વાનુભવો વર્ણવ્યા હતા. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વૈશ્વિક મહાપુરુષ હતા
તેમ કહી તેઓએ વધુમાં જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં હંમેશા દિવ્ય શાંતિનો અનુભવ થતો.

ગમે તેટલા મોટા પ્રશ્નો કેમ ન હોય, પણ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં જતાં તે શમી જતા. તેમનું આવું
વ્યક્તિત્વ અનેક લોકોએ અનુભવ્યું છે, અને તેમાંનો હું એક છું. તેઓશ્રીનું કાર્ય આજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ કરી રહ્યા છે. તેમનાં કાર્યો દ્વારા પ્રમુખસ્વામી મહારાજ હંમેશાં આપણી વચ્ચે જ છે.”

પ્રમુખસ્વામી મહારાજના પવિત્ર સ્પર્શથી થયેલા આમૂલ જીવન-પરિવર્તનોના એતિહાસિક સ્વાનુભવો લોકોએ
મંચ પરથી રજૂ કર્યા ત્યારે વાતાવરણ ભાવવાહી બની ગયું હતું. સંસ્થાના વિદ્ઘધાન સંતોએ પણ સ્વામીજીના પ્રેરક
અનુભવોની હૃદયસ્પર્શી પ્રસ્‍તુતિ કરી હતી, જેમાં વરિષ્ઠ સંતો પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય
ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી સહિતના સંતોનો સમાવેશ થાય છે.

કાર્યક્રમના અંતે બી.એ.પી.એસ. સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યુ હતું,
“બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું” આ પ્રમુખસ્વામી મહારાજનો જીવનમંત્ર હતો, તેમના મનમાં 24 કલાક આ જ વિચાર હતો. તેમનું જીવન દિવ્ય હતું. પ્રમુખસ્વામી મહારાજની અહંશૂન્યતાની તુલના કોઈ સાથે ન થઈ શકે. આટલું નિરાળું વ્યક્તિત્વ હોવા છતાં બાળસહજ નિર્દોષ. તેમના યોગમાં જે કોઈ
આવતા તેમને એ દિવ્યતાનો અનુભવ થતો જ. આપણે પણ તેમના જેવા થઈને અને તેમના જીવનમંત્રને અપનાવીએ.”

આ પ્રસંગે ડી. વાય. પાટીલ સ્ટેડિયમના સૂત્રધાર જ્ઞાનદેવ યશવંતરાવ (ડી.વાય.) પાટીલ તથા તેમના પુત્ર વિજય પાટીલ સહિત અનેક અગ્રગણ્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની ચરમસીમારૂપે ઉપસ્થિત 60,000 કરતાં વધારે સંતો-મહાનુભાવો અને ભક્તોએ ભગવાનની મહાઆરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. આ મહોત્સવને સફળ બનાવવા માટે 10,000 કરતા વધું સ્વંયસેવકોએ દિન-રાત સેવા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી ઉત્સવ પ્રસંગે મુંબઈના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર(દાદર)ના નેજા હેઠળ અનેક સમાજોપયોગી કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વ્યસનમુકતિ, વાલીજાગૃતિ, બાળ-યુવા જાગૃતિ, વગેરે સેવાકીય કાર્યક્રમ સંપન્ન થયા હતા. એમાંય બાળકો દ્વારા દવાખાનાઓમાં જઈને કરવામાં આવેલી પ્રાર્થના અને યુવાનો દ્વારા જાહેર સ્થાનોની સ્વચ્છતા-સેવા તો પ્રેરણાદાયક હતી.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની પંચવર્ષીય ઉજવણીની ચરમસીમારૂપે સન 2021માં અંતિમ સમારોહ ભવ્યતાથી અમદાવાદ ખાતે યોજાશે.

https://youtu.be/QsfMulxjTYc

https://youtu.be/Zguk6hWbcnk

https://youtu.be/as9eL72LLxA