મુંબઈના CSMT સ્ટેશનને મ્યુઝિયમમાં ફેરવવાના પ્રસ્તાવને મોદીએ નકારી કાઢ્યો

મુંબઈ – દક્ષિણ મુંબઈમાં મધ્ય રેલવેના આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશનની ભવ્ય ઈમારતને મ્યુઝિયમ-કમ-રેલવે સ્ટેશનમાં પરિવર્તિત કરવાની રેલવે પ્રધાન પીયૂષ ગોયલની યોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ પડી નથી અને એમણે તે નકારી કાઢી છે.

આ ટર્મિનસ ઈમારત બ્રિટિશ શાસનના જમાનાની છે અને એને 2004ની સાલમાં યૂએન સંસ્થા દ્વારા વર્લ્ડ હેરિટેજ સ્થળ ઘોષિત કરવામાં આવ્યું છે. આ ઈમારત છેક 1878ની સાલમાં બાંધવામાં આવી હતી. આ સ્ટેશનનું ભૂતકાળનું નામ વિક્ટોરિયા ટર્મિનસ (વીટી) છે.

આ ઈમારતને મ્યુઝિયમ-કમ-રેલવે સ્ટેશનમાં ફેરવવાની પીયૂષ ગોયલની મહત્વાકાંક્ષી યોજના હતી, પણ વડા પ્રધાન મોદીએ એમાં આગળ વધવાની ના પાડી દીધી છે.

સીએમએસટી આખો દિવસ વ્યસ્ત રહેતું સ્ટેશન છે. ગોયલ ગયા નવેમ્બરમાં જ્યારે આ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા ત્યારે એને વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમમાં પરિવર્તિત કરવાની યોજનાની જાહેરાત કરી હતી.

ગઈ 26 માર્ચે ગોયલ અને રેલવે બોર્ડના સિનિયર અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. એમાં વડા પ્રધાન મોદીએ આ યોજના પાછળનો તર્ક (લોજિક) શું છે? એવો સવાલ પૂછ્યો હતો.

રેલવે મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે રેલવે બોર્ડ પણ ગોયલના પ્રસ્તાવની વિરુદ્ધમાં હતું. કારણ કે એવું કરવાથી રેલવેના ઘણા કર્મચારીઓને અન્યત્ર ખસેડવા પડે એમ છે જે રેલવે બોર્ડ માટે મુશ્કેલ કાર્ય બની શકે. એવી જ રીતે, રેલવે ઝોન્સે પણ ગોયલની યોજના સામે વાંધો ઉઠાવ્યો હતો.