પેટ્રોલ, ડિઝલ થશે બે રૂપિયા સસ્તું; કેન્દ્રીય બજેટથી મોટી રાહત

મુંબઈ – કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આજે સંસદમાં રજૂ કરેલા બજેટ-2018માં આમજનતાને ફાયદો થાય એવી એક જોગવાઈ છે. સરકારે દેશમાં ઈંધણનાં વધી ગયેલા ભાવને કાબૂમાં લાવવા માટે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે.

બજેટમાં બ્રાન્ડેડ તથા અનબ્રાન્ડેડ પેટ્રોલ તેમજ ડિઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીને ઘટાડી દેવામાં આવી છે.

એક્સાઈઝ ડ્યૂટીમાં રાહત

અનબ્રાન્ડેડ પેટ્રોલ પરની આબકારી જકાત, જે પ્રતિ લીટર રૂ. 6.48 છે, એને પ્રતિ લીટર ઘટાડીને રૂ. 4.48 કરવામાં આવી છે.

બ્રાન્ડેડ પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટી જે પ્રતિ લીટર રૂ. 7.66 છે તે ઘટાડીને પ્રતિ લીટર 5.66 રૂપિયા કરવામાં આવી છે.

એવી જ રીતે, અનબ્રાન્ડેડ ડિઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લીટર રૂ. 8.33થી ઘટાડીને રૂ. 6.33 કરવામાં આવી છે. જ્યારે બ્રાન્ડેડ ડિઝલ પરની ડ્યૂટી પ્રતિ લીટર રૂ. 10.69થી ઘટાડીને રૂ. 8.69 કરવામાં આવી છે.

આજે ગુરુવારે, મુંબઈ ઉપરાંત દિલ્હી, બેંગલુરુ, પુણે, ચેન્નાઈમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ રૂ. 80 હતો. મુંબઈમાં ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 68.17 છે.

ઈંધણના ભાવ ડાઈનેમિક છે અને તેને સરકારે પોતાના અંકુશમાંથી દૂર કરી માર્કેટને હવાલે કરી દીધા છે.